ગીર-સોમનાથ જીલ્લાનાં જંગલમાં ભારે વરસાદથી તમામ ડેમો ઓવરફલો થયાં

ગીર-સોમનાથ જીલ્લાનાં છ તાલુકા પૈકી તાલાલામાં ગઈકાલે બે ઇંચ જેવો વરસાદ વરસેલ હતો. જયારે અન્ય તાલુકાઓમાં સરેરાશ અડધો ઇંચ જેવો વરસાદ વરસાવતા ગીર સોમનાથ જીલ્લાનાં ખેડૂતોમાં ખુશી પ્રસરેલ છે. ગીર સોમનાથ જીલ્લામાં આવેલા પાંચ ડેમમાંથી ચાર ડેમમાં વરસાદી પાણીની ભરપુર આવકથી છલોછલ ભરાઇ ગયા હોવાથી ડેમના નીચાણવાળા વિસ્તારના ગ્રામ્યજનોને એલર્ટ રહેવા સુચના અપાયેલ છે. તાલાળાનાં વાડલા ગામ પાસેના વોકળામાં એક ફોરવ્હીલ તણાઇ જતા તેમાં બિલખાનાં રહેવાસી તણાઇ ગયાના બનાવનાં પગલે તંત્રએ તેની શોધખોળ હાથ ધરી છે.
ગીર-સોમનાથ જીલ્લામાં મેઘરાજાની કૃપા અવિરત ચાલુ હોય તેમ શનિવાર રાત્રીથી રવિવારે બપોર સુધીમાં જુદા-જુદા તાલુકા-વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ગીરના જંગલમાં ચાર થી પાંચ ઇંચ, જયારે રવિવાર બપોર સુધીમાં તાલાળામાં ૪૦ મી.મી. (બે ઇચ), ઉના ૫ મી.મી., વેરાવળ ૬ મી.મી., સુત્રાપાડા ૩ મી.મી., ગીરગઢડા ૯ મી.મી. તથા જંગલ વિસ્તારમાં આવેલ કમલેશ્વર ડેમ ઉપર ૧૦૦ મી.મી. (૪ ઇંચ) વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય પાંચ ડેમમાંથી ચાર ડેમ ઓવરફલો થયા છે. જેમાં કમલેશ્વર હિરણ-૧ ડેમ ૯૦ ટકા ભરાઇ ગયો છે. ગઈકાલે રવિવારે હિરણ-૨ ડેમના પાંચ દરવાજા ચાર ફુટ, રાવલ ડેમનાં છ દરવાજા ચાર ફુટ, શિંગોડાનાં ત્રણ દરવાજાને એક ફુટ ખોલવામાં આવ્યા હતાં અને ત્યારબાદ પાણીની આવક ઘટતા રાવલનાં દરવાજા બંધ કરી ત્રણ દરવાજાને બે ફુટ રાખવામાં આવ્યા છે. તમામ ડેમો હેઠળના નિંચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.
તાલાળાનાં વાડલા ગામ પાસે વોકળાનાં પુરમાં એક ફોરવ્હીલ તણાઇ ગયેલ હોય જેમાં બિલખાનાં રહીશ તણાઈ જતાં તેમનો મૃતદેહ મળ્યો છે. ગીર સોમનાથ જીલ્લાનાં ખેડૂતોમાં આનંદની લાગણી છે. ચેકડેમો અને સુજલામ સુફલામ યોજના હેઠળ બનેલા તળાવોમાં નવાં નીર આવેલ હોવાતી પાણીનાં તળ ઉંચા આવશે અને ગીર સોમનાથ જિલ્લામાં આગામી રવિપાકને પણ ફાયદો થનાર છે.

Leave A Reply