જૂનાગઢ શહેરમાં પરંપરા મુજબ અલમશરીફનું ભવ્ય ઝુલુસ નીકળ્યું

વિશ્વભરમાં છેલ્લા ૧૪૦૦ વર્ષથી મુસ્લિમ બિરાદર દ્વારા મહોર્રમ માસમાં વિશ્વના મહાનતમ શહિદ હઝરત ઈમામ હુસૈને આપેલી શહાદતની યાદમાં મનાવવામાં આવે છે. ઈરાક કરબલાના રણમાં ઈમામ હુશેન અને તેમના ૭ર સાથીઓએ સત્યની ખાતર આપેલી કુરબાનીની વિવિધ પ્રકારે યાદ મનાવવામાં આવે છે જે સંદર્ભમાં જૂનાગઢ શહેરમાં પણ પરંપરા અનુસાર શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે અલમ શરીફનું ભવ્ય ઝુલુસ યોજાયું હતું.
જેમાં હજારો લોકો જાડાયા હતા અને અશ્રુભીની શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ ઝુલુસ શનિવારે સાંજે ૭ કલાકે પરંપરા અનુસાર ગિરનાર રોડ હકીમ સાહેબનાં ડેલામાંથી શરૂ થયું હતું અને સેજની ટાંકી,લીમડા ચોક, સર્કલ ચોક, દિવાન ચોક, માંડવી ચોક, ફ્રુટ બજાર, સાત હવેલી થઈ મોડી રાત્રે ર કલાકે કોમી એકતા અને ભાઈચારાના સંદેશા સાથે સંપન્ન થયું હતું. આ ઝુલુસ દરમ્યાન પોલીસ અને વહીવટી તંત્રએ સુંદર કામગીરી કરી હતી જેમાં એસપી સૌરભ સિંઘ અને ડીવાયએસપી જાડેજાનાં સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ પીએસઆઈ એ.એલ. બારસીયા, જે.એચ. કછોટ, કે.બી. લાલકા સહિતનાં પોલીસ અને ટ્રાફીક સ્ટાફે સતત ખડેપગે રહી ઝુલુસ દરમ્યાન સંકલન જાળવી રાખી સુંદર કામગીરી કરી હતી. આ ઝુલુસમાં પરંપરા અનુસાર હિન્દુ – મુસ્લીમ આગેવાન ઉપસ્થિત રહયા હતા જેમાં ધારાસભ્ય ભીખાભાઈ , બટુકભાઈ મકવાણા, અશ્વીનભાઈ મણીયાર, રાજુભાઈ ઠાકર જયારે મુસ્લીમ આગેવાનોમાં હુસેનભાઈ હાલા, મહેબુબભાઈ પંજા, વહાબભાઈ કુરેશી, સોહેલ સિદિકી, એસ.આઈ. બુખારી, સફદરહુસેન સૈયદ, જીશાન હાલેપોત્રા, સલીમ ગુજરાતી, સફીભાઈ સોરઠીયા, સાકીરભાઈ બેલીમ, મુન્નાબાપુ કાદરી, રજાકભાઈ મહીડા, અબ્બામીંયા ચિશ્તી, અબ્બાસભાઈ બ્લોચ, સલીમખાન પઠાણ, અલ્તાફ ખાન સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહયા હતા અને તંત્ર સાથે સંકલન જાળવી રાખ્યું હતું.
ઝુલુસનાં રૂટ ઉપર ગણેશજીનાં પંડાલ પણ આવેલ હોય, પંડાલનાં આયોજકોએ ઝુલુસનું સ્વાગત કર્યુ હતું જયારે ઝુલુસનાં આયોજકોએ પણ પંડાલની મુલાકાત લઈ નારીયેળ અર્પણ કરી શુભેચ્છાઓ વ્યકત કરી હતી આમ કોમી એકતા અને ભાઈચારાનાં વાતાવરણમાં ઝુલુસ સંપન્ન થયું હતું. ઝુલુસમાં યુવાનોએ રકતરંજીત માતમ કર્યુ હતું જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઝુલુસમાં ર૦ હજારથી વધુ લોકોએ જાડાઈને શહિદોને અશ્રુભીની શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

Leave A Reply