Sunday, January 19

જૂનાગઢનો ટુરિઝમ-એગ્રી બેઈઝ ઉદ્યોગોથી વિકાસ થઈ શકે

જૂનાગઢ જીલ્લાનું વિભાજન કરી ગિર-સોમનાથ જીલ્લાને બનાવ્યાં બાદ હયાત એવા મોટા ઉદ્યોગો આ જીલ્લામાંથી ચાલ્યા ગયાં અને જૂનાગઢ જીલ્લો ઔદ્યોગિક રીતે પછાત બની ગયો અને હાલની સ્થિતીએ એક પણ મધ્યમ કક્ષા કે મોટા ઉદ્યોગ જૂનાગઢમાં નથી અને સાવ અલ્પવિકસીત જીલ્લો બની ગયો છે. ત્યારે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ગુજરાત વેપારી મંડળ દ્વારા જૂનાગઢ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનાં સહયોગથી ‘મહાજન તમારા આંગણે-હવે વિકાસ સિવાય નહીં કોઈ વાત’ એ સંકલ્પ સુત્રને મુખ્યત્વે બનાવી જૂનાગઢ અને સોરઠ વિસ્તારનાં વેપાર ઉદ્યોગનાં પ્રશ્નોને ચર્ચા અને તેનાં નિરાકરણ માટે જૂનાગઢ ખાતે તા.૮ નાં સવારે ૧૧ કલાકે હોટલ આર્શિવાદ ખાતે મિટીંગનું આયોજન કરેલ જેમાં જૂનાગઢનાં વેપારીઓ, ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
જૂનાગઢમાં કુદરતી સંપદાઓથી ટુરિઝમ અને મગફળી, કપાસ જેવાં ખેત ઉત્પાદનોથી એગ્રો બેઈઝ ઉદ્યોગોમાં માટે વિપુલ તકો છે. પરંતુ અત્યાર સુધીમાં માત્ર વાતો જ થઈ છે અને આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. જ્યારે બીજી તરફ ઓઈલ મીલ,  સીંગદાણા સહિતનાં ઉદ્યોગો ભાંગતાં જઈ રહ્યાં છે. અત્યાર સુધી જૂનાગઢને નબળી નેતાગીરી જ મળી હોય ધંધા-રોજગારી સાથે એવા કોઈ વિકાસકામો થયાં નથી. અહીંયા ડાયમંડ પાર્ક, એગ્રો પાર્ક પણ થઈ શકે પરંતુ આ કામો પણ થયા નથી. અને વેપારીઓ ઉદ્યોગોનાં પ્રશ્નો હલ થતાં જ નથી. જૂનાગઢની જીઆઈડીસી-૧ અને જીઆઈડીસી-રમાં અનેક નાનાં-મોટાં ઉદ્યોગો આવેલ છે. જેને વધુ વિકસીત કરવાનાં બદલે પરંતુ વનવિભાગનાં જડ નિયમોથી ઉદ્યોગકારો પરેશાન છે. તહેવારોને સિઝનમાં માલનાં વેંચાણ સમયે કાપડનાં વેપારીઓ, ધંધાર્થીઓ જીએસટી ખાતાની કનડગતથી ધંધો કરી શકતાં નથી, સોની વેપારીઓ ચોરીનાં માલમાં પોલીસની કનડગત થતી હોવાની રાવ કરી હતી.
જૂનાગઢમાં ભવિષ્યમાં રોપ-વે આકાર પામશે પરંતુ કોઈ આંતર માળખાકીય સુવિધાઓ નથી. ટ્રાફિક સમસ્યા નિવારવાની વાતો માત્ર કાગળ ઉપર જ છે. શહેરનાં સાત રેલ્વે ફાટક ખસેડવાની જરૂર છે અથવાં તેનાં વિકલ્પરૂપે ફલાય ઓવરબ્રીજ કે અંડરબ્રીજ થવા જાઈએ. રસ્તાઓ પણ પહોળાં થવા જાઈએ. ટોટલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવું જાઈએ. જૂનાગઢમાં એકમાત્ર ખાણી-પીણીનાં ધંધા સિવાય કશું જ નથી. એવો સુર ઉપસ્થિત સોરઠ જીલ્લાનાં વેપારીઓમાંથી નીકળ્યો હતો અને મહાજન મંડળનાં હોદ્દેદારો સમક્ષ વ્યથા ઠાલવી આ વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓને રજુ કરી કેન્દ્ર અને રાજ્ય સરકાર સુધી પહોંચાડવા અને તેનું નિરાકરણ લાવવા કહ્યું હતું. વેપારીઓની રજુઆતો સાંભળ્યાં બાદ ગુજરાત ચેમ્બરનાં સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે વેપારીઓનું સંગઠન અને એકતા મજબુત હોવા જાઈએ અને આથી જ જૂનાગઢ ચેમ્બરનાં હાથ વધુને વધુ મજબુત બનાવવા જરૂરી છે.
વેપારીઓને ઉદ્યોગકારોને કોઈપણ પ્રશ્ન, સમસ્યા હોય તો તે જૂનાગઢ ચેમ્બરને મોકલી આપવા અને તે અમોને મોકલી આપશે અને અમે ઉચ્ચકક્ષાએ રજુઆત કરીશું. અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં તેની અસરકારક રજુઆત થઈ શકે કેમ કે એકતાં અને સંગઠન સામે સરકારોએ ઝુંકવું જ પડતું હોય છે. રાજકોટ ચેમ્બરનાં વી.પી.વૈશ્નવે કહ્યું હતું કે ધંધા-રોજગાર વધે એ માટે સરકાર સાથે સમન્વય સાંધીને આગળ વધવું જાઈએ. આથી જ જૂનાગઢ ચેમ્બરને મજબુત કરો અને તમારી તાકાત ઉભી કરો. જૂનાગઢનું પછાતપણાંનું લેબલ ટુરિઝમનાં વિકાસ તેમજ એગ્રીકલ્ચર જીલ્લો હોય એગ્રીકલ્ચર ઉદ્યોગનાં વિકાસથી જ દુર થઈ શકશે. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લા ઉદ્યોગ કેન્દ્રની વિવિધ યોજનાઓ અને પ્રધાનમંત્રી પેન્શન યોજનાનો પણ લાભ લેવા વેપારીઓએ જાગૃત બનવું પડશે. આ કાર્યક્રમમાં ગુજરાત ચેમ્બરનાં નટુભાઈ પટેલ, દિલીપ પાધ્યા, નિલેશ શુકલ, સુરતથી કેતન દેસાઈ, રાજકોટથી વી.પી.વૈશ્નવ સહિત ચેમ્બરનાં અગ્રણી, આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ધારાસભ્ય ભીખાભાઈ, મનપાનાં ડે.મેયર હિમાશું જાષી, ભીખાભાઈ ગજેરા સહિતનાં મહાનુભાવોએ પણ હાજરી આપી હતી. જૂનાગઢ ચેમ્બરનાં પ્રમુખ કનુભાઈ દોમડિયાનાં માર્ગદર્શન હેઠળ સેક્રેટરી બી.જે.દેસાઈ અને તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Leave A Reply