Tuesday, September 17

જૂનાગઢ જીલ્લાના માંગરોળ સિવાય ૮ તાલુકામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ

જૂનાગઢ જીલ્લાના માંગરોળ સિવાય ૮ તાલુકામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચુકયો છે. સોરઠ ઉપર મેઘરાજા મંડાયેલા હોય છેલ્લા ર૪ કલાકમાં સાર્વત્રીક વધુ ૧ થી ૪ ઈંચ પાણી વરસી ગયું હતું. ફર્લ્ડ કન્ટ્રોલમાંથી તા.૧રના સવારના ૧૦ સુધીના આંકડા મુજબ કેશોદમાં ૬પ મીમી, જૂનાગઢ ૧૦૪, ભેંસાણ ૩૪, મેંદરડા ર૩, માંગરોળ ૬ર, માણાવદર ૧૧૪, માળીયા ૩૦, વંથલી ૧૧૩ અને વિસાવદરમાં ૮૩ મીમી વરસાદ પડયો હતો.
માંગરોળનાં પ્રતિનિધીનાં અહેવાલ મુજબ મેઘરાજા ભાદરવે ભરપુર વરસતા માંગરોળ પંથકના લગભગ તમામ જળાશયો છલકાઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણી-પાણી થઈ ગયા છે ત્યારે ભૂમિપુત્રો હવે વરાપની આશ માંડી બેઠા છે.
ભારે વરસાદને પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ હતી. કામનાથ નજીક નોળી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. ઘસમસતા પાણીને જોવા લોકો ઉમટી પડયા હતા. ૧૩૦ મિલિયન ઘનફૂટ પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતો લંબોરા ડેમ છલોછલ ભરાઈ ગયો હતો અને અડધો ફૂટ ઓવરફ્‌લો થયો હતો. મુશળધાર વરસાદથી સવારે વલ્લભગઢ અને ભોંયવાવ પાસે પુષ્કળ પ્રમાણમાં પાણી આવી જતા માંગરોળ-કેશોદ હાઈવે ઉપર વાહનવ્યવહાર ઠપ્પ થયો હતો. કામનાથ નજીક દાનાતળ કોઝવે ઉપરથી ભારે પ્રમાણમાં પાણી વહેતા કોટડા, લંબોરા, જુથળ સહિતના ગામડાઓ સાથે સંપર્ક તૂટી ગયો હતો. ઘેડ પંથકમાં ચારેકોર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
માળીયા હાટીનાનો વ્રજમી ડેમ છલકાવવાની તૈયારીમાં હોય, દુધાળા, વાંદરવાડ, સરકડિયા, ઈટાળી, વડીયા, નાની ધણેજ, મોટી ધણેજ અને ગડુ સહિતના ગામોના લોકોને નદીના પટમાં અવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે.

Leave A Reply