Monday, December 16

જૂનાગઢ શહેરમાં ગણપતિ વિસર્જન શાંતિપૂર્વક સંપન્ન : ૧૮૦૦ મુર્તિઓનું કરાયું વિસર્જન

જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરાએ આજે એક વાતચીતમાં જણાવ્યું હતું કે જૂનાગઢ કોર્પોરેશન દ્વારા ભવનાથ તળેટી વિસ્તારમાં બનાવાયેલાં ખાસ કુંડમાંજ આ વર્ષે ગણપતિ ઉત્સવની ઉજવણી બાદ ૧૮૦૦ જેટલી ભગવાન ગણેશજીની મુર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે અને આ વિસર્જન બાદ શાંતિપૂર્ણ રીતે અને સન્માનપૂર્વક આ મુર્તિઓનો નિકાલ કરી અને લોકોની ધાર્મિક લાગણીને યથાવત રાખી છે તેમજ ભગવાન પ્રત્યેનું સન્માન પણ અંકબંધ રહ્યું છે અને ખાસ આ વર્ષે જૂનાગઢ શહેરમાં ગણપતી વિસર્જન સમયે નદીમાં ડુબવાની કોઈ પણ ઘટના ન સર્જાય તે હેતુથી જે કાર્ય કરવામાં આવ્યું હતું તે સફળ રહ્યું છે. જેને તેઓએ મોટી સિધ્ધી ગણાવી હતી. આ વર્ષે ભાદરવા સુદ ચોથનાં દિવસ જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભગવાન ગણેશજીનાં ઉત્સવની ઉજવણી ભાવપૂર્વક અને ઉમંગભેર રીતે કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં અનેક સ્થળોએ ગણપતિજીનું સ્થાપન કરી અને પંડાલો પણ બનાવવામાં આવેલ તેમજ વિવિધ વિસ્તારોમાં અને ઘર આંગણે પણ ભગવાન ગણેશજીની સ્થાપના કરી અને પુજન-અર્ચન અને આરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. આ વર્ષે ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ પણ ર્દુઘટના ન સર્જાય તે માટે ખાસ કોર્પોરેશન દ્વારા જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં એક કુંડ બનાવવામાં આવેલ અને જેમાં ત્રિવેણીસંગમ સમા ઘાટનાં જળ પણ પધરાવવામાં આવેલ અને આ કુંડમાં જ ગણપતિજીનું વિસર્જન થાય તેવી અપીલ લોકોને કરવામાં આવી હતી. લોકોએ પણ સંપૂર્ણ સહકાર આપ્યો હતો અને ૧૮૦૦ મુર્તિઓનું વિસર્જન આ જ કુંડમાં થયું છે આ વર્ષે એક બીજી પણ નોંધનીય ઘટના એ હતી કે પાણીનાં અન્ય ઝરણાંઓ તેમજ ધાર્મિક રીતે ઓળખાતાં ઝરણાંઓમાં પણ આ વર્ષે ગણેશ વિસર્જન થયું નથી અને જેને કારણે માનવ દુર્ઘટના બની નથી તેમજ પાણી પણ પ્રદુષિત થતું અટક્યું છે અને આ રીતે જૂનાગઢ શહેર અને જીલ્લામાં શાંતિપૂર્ણ રીતે ગણપતિ વિસર્જનનું કાર્ય સંપન્ન થયું હોવાનું જણાવ્યું હતું.

Leave A Reply