જૂનાગઢ શહેરમાં પીયુસી માટેનાં વધુ સેન્ટરો ખોલવા બુલંદ માંગણી

ટ્રાફિકનાં નવા નિયમોને લઈને જૂનાગઢ સહિત રાજયનાં દરેક શહેરોમાં અને ગામોમાં લગભગ એક જેવી સંજોગો સર્જાઈ છે. કોઈ કોઈ ગામમાં તો પીયુસી માટેનાં સેન્ટરો જ નથી. જયારે જૂનાગઢ શહેરમાં પણ અપુરતાં પીયુસી સેન્ટરોને લઈને પીયુસી મેળવવા માટે લોકોની લાંબી કતારો જે-તે સેન્ટરો ઉપર જોવા મળે છે ત્યારે જૂનાગઢ સહિત રાજયનાં દરેક શહેરોમાં પીયુસી સેન્ટરો ખોલવાની માંગણી ઉઠવા પામી છે. રાજય સરકાર દ્વારા ટ્રાફિકનાં નવા કાયદાનાં પાલન અનુસાર આગામી સોમવારથી નવા નિયમોની અમલવારી શરૂ થનાર છે ત્યારે વાહન ચાલકોએ ફરજીયાતરૂપે લાયસન્સ, આરસી બુક, વિમો, હેલ્મેટ, પીયુસી જેવાં દસ્તાવેજો સાથે રાખવા પડશે. જેમાં પીયુસી માટેની મુદ્દતમાં વધારો કરવામાં આવેલ છે. પરંતુ તેમ છતાં પીયુસી રાખવી તો પડશે જ. કયાંક તો આ અમલવારી માટે છ માસની મુદ્દત લોકોને આપવી જોઈએ તો જ એક સરખી રીતે આ કાયદાનો ચુસ્તપણે અમલ થઈ શકે અને વાહન ચાલકો પણ આ સમયગાળા દરમ્યાન જરૂરી દસ્તાવેજો મેળવી શકે આ માટે સરકારે તાત્કાલિક અસરથી યોગ્ય વિચારણાં અંતર્ગત લોકોની માંગણી અને લાગણીને સંતોષવી જોઈએ. જૂનાગઢ શહેરમાં જેટલાં વાહનો છે તેનાં પ્રમાણમાં ખુબ જ ઓછા પીયુસી સેન્ટરો હોય જેને કારણે વાહન ચાલકોને પીયુસી મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને કલાકો સુધી જે-તે સેન્ટરો ઉપર ઉભા રહે ત્યારે માંડ પીયુસી નીકળે છે. જે રીતે રેશનકાર્ડ, આધારકાર્ડ કે અન્ય સરકારી ડોકયુમેન્ટ મેળવવા માટે અપુરતાં સેન્ટરોને લઈને સવારથી સાંજ સુધી લોકોની લાંબી કતારો રહેતી હતી તે જ રીતે વિમો, પોલીસી, લાયસન્સ, પીયુસી અને હેલ્મેટ માટે સંજોગો સર્જાય છે. જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં પણ આવા પિયુસી સેન્ટરો ખોલવાની માંગણી ઉઠી છે. ખાસ કરીને સરકાર દ્વારા જ જે-તે એજન્સીઓને આ કામ સોંપી અને લોકોની મુશ્કેલીમાં ઘટાડો કરવાની માંગ ઉઠી રહી છે.

Leave A Reply