આધુનિક ટેકનોલોજીનાં અતિક્રમણને રોકવા છાત્રો વૈદિક શિક્ષણસંહિતાનું અનુસરણ કરે : ધર્મબંધુજી

જૂનાગઢ સુભાષ એકેડેમી એજ્યુકેશન સંકુલ ખાતે સ્વર્ગસ્થ પેથલજીભાઈ ચાવડાની ૯૦ મી જન્મ જયંતી તેમજ આર્ય કન્યા ગુરૂકુલનાં ૩૯ સ્થાપનાદિન પર્વે શિક્ષણ રાજ્ય મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રાસલાનાં ધર્મબંધુજી તેમજ સમાજના વિવિધ નગર શ્રેષ્ઠીઓએ ઉપસ્થિત રહી પેથલજીભાઈ ચાવડાની ૩૯ વર્ષની શિક્ષણ પરત્વેની બનાવેલી માર્ગસંહિતાને બિરદાવી હતી. આ પ્રસંગે ધર્મબંધુજીએ વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીના વધતા જતા અતિક્રમણ સામે આપણી વૈદિક શિક્ષણ સંહિતાને અનુસરી સ્વયં શિસ્ત અને શિક્ષણ પ્રણાલીને આત્મસાત કરવા શીખ આપી હતી.તેમણે જીવનપથ ઉપર આગળ વધવા માટે ૧૩ મુદ્દાઓ વર્ણવી તેમની વિસ્તૃત છણાવટ કરી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કાર્યક્રમને દીપ પ્રગટાવી પ્રારંભ કરાવતી વેળાએ જણાવ્યું હતું કે રાજ્યમાં શિક્ષણનો દર દિનપ્રતિદિન વધતો જાય છે. કન્યા કેળવણી અને ગુણોત્સવનાં કારણે આજે રાજ્ય સાક્ષરતા દરમાં ઊંચુ આવ્યું છે. શાળાઓમાં નામાંકન ૧૦૦% થતું જાય છે ધોરણ ૫ અને ૮ માં હવે પરીક્ષા પધ્ધતિપુર્નઃ ચાલુ કરવામાં આવી રહી છે ત્યારે હવે સ્પર્ધાત્મકયુગે વિદ્યાર્થીઓએ પોતાની જાતને કસોટીની એરણે ચડાવી પોતાના પ્રગતિપથે આગળ વધવા કટિબદ્ધ બનવું પડશે કાર્યક્રમના પ્રારંભે મીતાબેન ચાવડાએ આમંત્રિતો અતિથિઓ અને શિક્ષણપ્રેમીઓને આવકારી વિવિધ ફેકલ્ટીઓમાં કન્યા કેળવણી ક્ષેત્રે થતા અભ્યાસ બાબતે ઉપલબ્ધ સુવિધાઓની વિગતો આપી હતી. કાર્યક્રમમાં પાર્થ કોટેચાએ મોટીવેશનલ સ્પીચ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. આ તકે ધીરૂભાઈ ગોહેલનાં સન્માનમાં તેમણે પ્રતિ ભાવાત્મક વાત કરતા સ્વ. પેથલજીભાઈ ચાવડા અને જવાહરભાઈ ચાવડાનાં પરિવાર સાથે પોતાના નાતાને જોડી અને સ્મરણો વાગોળ્યા હતાં. કાર્યક્રમના અંતે રાજ ચાવડાએ આભારદર્શન કર્યું હતું. રાત્રીનાં ધીરૂભાઈ સરવૈયા અને સંગીત ટીમ દ્વારા મનોરંજન કાર્યક્રમ યોજાયો હતો.

Leave A Reply