જૂનાગઢમાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્સ ભરૂચમાંથી ઝડપાયો : અપહૃત સગીરા માતા-પિતાને સોંપાઈ

જૂનાગઢ શહેરના અનુરાધા પાર્ક, જોષીપરા ખાતે રહેતા ફરીયાદીની સગીરવયની દીકરી (ઉ.વ.૧૭ વર્ષ ૧૦ માસ)ને તા.૩૦-૦૮-૨૦૧૯ ના રોજ રાતના આરોપી ઉદય કોળી (રહે. જોષીપરા જૂનાગઢ) ખાતેથી ભગાડી ગયા અંગેની ફરીયાદીએ આરોપી ઉદય કોળી વિરૂધ્ધ ફરીયાદ આપતા, જૂનાગઢ તાલુકા પો.સ્ટે. ખાતે ગુન્હો નોંધી, ગુન્હાની તપાસ સર્કલ પો.ઇન્સ. કે.એમ.ગોસ્વામી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામા આવેલ હતી.
જુનાગઢ જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ફરીયાદીની સગીર વયની દિકરીના અપહરણના ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનારને તાત્કાલીક શોધી, આરોપી વિરૂધ્ધ કાયદેસર કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.
જુનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી પ્રદીપસીંહ જાડેજા તથા પ્રોબેશ્નર ડીવાયએસપી સ્મિત ગોહેલના માર્ગદર્શન હેેઠળ જુનાગઢના સર્કલ પોલીસ ઇન્સપેકટર કે.એમ. ગોસ્વામી તથા સ્ટાફના એ.એસ.આઇ નરેન્દ્રભાઇ, પો.કોન્સ. દિલીપભાઇ, પ્રભાતભાઇ, ડીવાયએસપી કચેરીના ટેકનિકલ સેલના હે.કો. કમલેશભાઇ, સહીતની પોલીસ ટીમને ટેકનીકલ સોર્સ તથા બાતમીદારો દ્વારા બાતમી મળેલ કે, જોષીપરા ખાતેથી અપહરણ કરવામાં આવેલ આરોપી તથા ભોગ બનનાર સુરતના કામરેજ ખાતેથી શિવમ ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ જવા નીકળેલ છે. તે બાતમીના આધારે જુનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી પ્રદીપસીંહ જાડેજાના માર્ગદર્શન હેેઠળ ભરૂચ એલ.સી.બી. ક્રાઇમ બ્રાન્ચના પો.ઈન્સ. જયરાજસિંહ ઝાલાને ગુન્હાની વિગત આપી, વોટસ એપના માધ્યમથી આરોપીના ફોટા મોકલી, જાણ કરવામાં આવતા, ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. અનિલ ચૌહાણ, હે.કો. જયેશભાઈ, મહિલા પો.કો. અરૂણાબેન સહિતની ટીમને સાથે રાખી, ભરૂચ ટોલ નાકા ખાતેથી આરોપી ઉદય દિનેશભાઈ વાળા જાતે કોળી (ઉ.વ. ૧૯ રહે. વિનાયક એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૪૦૩, જૂનાગઢ) તથા ભોગ બનનાર સગીરાને શોધી કાઢી, જૂનાગઢ પોલીસને જાણ કરવામાં આવતા, જુનાગઢ સર્કલ પોલીસ ઇન્સપેકટર કે.એમ.ગોસ્વામી તથા સ્ટાફના મહિલા હે.કો. મધુબેન, પો.કોન્સ જૈતાંભાઇ, ડ્રાઇવર સહિતના પોલીસ કર્મચારીઓની ટીમને તાત્કાલિક ભરૂચ ખાતે મોકલી આપી, ભોગ બનનાર સગીરા અને આરોપી ઉદય દિનેશભાઈ વાળા કોળીનો કબ્જા મેળવી, કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ઉદય ઉર્ફે ભુરિયો દિનેશભાઈ વાળા ભૂતકાળમાં જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એકટ હેઠળ ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ હોઈ, રીઢો ગુન્હેગાર હોવાથી જૂનાગઢ પોલીસ દ્વારા ભરૂચ જિલ્લાના ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તથા સ્ટાફની મદદથી જહેમત ઉઠાવી, મળેલ માહિતી આધારે ભરૂચ ટોલ ટેક્સ નાકા ખાતેથી પકડી પાડવામાં આવેલ હતો.
જુનાગઢ પોલીસ દ્વારા સગીર છોકરીની ઉંમર ધ્યાને લઇ સહિષ્ણુતાભરી લાગણીસભર કાર્યવાહી કરી કાયદાનુ જ્ઞાન આપેલ અને કાયદાનો ભંગ નહી કરવા સલાહ આપી, અપહૃત સગીરાને સમજાવી તેના માતા પિતા સાથે જવા તૈયાર થતા, મોકલી આપી, પકડાયેલ આરોપી વિરૂધ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતી. જુનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ ખાતેથી કરવામાં આવેલ સગીરાના અપહરણના ગુન્હામાં ભોગ બનનાર સગીરા તથા આરોપીને ઝીણવટભરી તપાસ કરી, માહિતી મેળવી, ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની મદદથી ગણતરીના દિવસોમાં શોધી કાઢવામાં આવતા, સગીરાના માતા પિતાએ જુનાગઢ પોલીસનો આભાર વ્યકત કરેલ હતો.

Leave A Reply