જૂનાગઢ શહેરમાં લોકો વહેલી સવારથી મોડી રાત સુધી પીયુસી મેળવવા માટેની જ દોડાદોડી કરી રહ્યાં છે

જૂનાગઢ શહેરમાં પીયુસી સેન્ટર ઉપર લોકોનો ભારે ઘસારો થાય છે. વહેલી સવારથી મોડી રાત્રી સુધી પીયુસી મેળવવા માટે લોકો દોડાદોડી કરી રહ્યાં છે. પ લાખ કરતાં વધારે વસ્તી આ જૂનાગઢ શહેરની છે તેનાં પ્રમાણમાં વાહનોની સંખ્યા પણ રહેલી છે જેથી જૂનાગઢ શહેરમાં લગભગ દરેક વિસ્તારોમાં પીયુસી સેન્ટર વધારે તાત્કાલિક અસરથી ખોલવાની માંગણી ઉઠી છે.
જૂનાગઢ સહિત રાજયભરમાં ટ્રાફિકનાં નવા નિયમોની અમલવારી શરૂ થઈ ચુકી છે. કયાંક વિરોધ, કયાંક નરમાઈથી અને પ્રજાનાં આક્રોશ વચ્ચે નવાં નિયમો માટે પોલીસ તેમજ આર.ટી.ઓ. દ્વારા કવાયતો શરૂ થઈ ચુકી છે અને લગભગ દરેક શહેરોમાં ટ્રાફિકનાં નિયમનું પાલન ન કરનારાઓ પાસે દંડની રકમ પણ વસુલવામાં આવી હોવાનાં અહેવાલો મળી રહ્યાં છે. ખાસ કરીને લોકોને નિયમો પાળવા તો છે પરંતુ આ નિયમોની અમલવારીમાં મોટી છુટ-છાટ આપવાની માંગણી પણ ઉઠવા પામી છે. ચેમ્બર ઓફ કોમર્સ સંસ્થાએ તો આ નિયમોમાં મોટી બધી છુટછાટો આપવાની રજુઆત ઉચ્ચકક્ષાએ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આમ પ્રજા, સામાજીક સંસ્થાઓમાંથી ટ્રાફિકનાં નિયમો બાબતે કચવાટની લાગણી જાવા મળી છે. તહેવારોનાં દિવસો નજીક આવી રહ્યાં છે ત્યારે લોકો દરેક કામ પળતાં મુકી સવારથી જ મોડી રાત્રી સુધી વાહનોનાં ખુટતાં કાગળીયાઓ કરવામાં જ લાગી ગયા છે. હેલ્મેટની ખરીદી, વિમો ભરવો, લાયસન્સ-પીયુસી કઢાવવું, આર.સી.બુક, લાયસન્સ રીન્યુ કરાવવું જેવી કામગીરીમાં પ્રત્યેક એક કામમાં લોકોને લાંબી-લાંબી લાઈનમાં ઉભું રહેવું પડે છે. ખાસ કરીને હાલ તો લગભગ દરેક શહેરોમાં વાહન ચાલકોને એક જ બાબત મુંઝવી રહી છે ગમે ત્યાંથી પીયુસી મેળવવી. ભલે પીયુસીની અમલવારીમાં મુદ્દતનો વધારો થયો હોય તેમ છતાં લોકોનો ભારે ઘસારો પીયુસી સેન્ટર ઉપર જોવા મળી રહ્યો છે. જૂનાગઢ શહેરની વાત કરવામાં આવે તો આ શહેરમાં અંદાજીત ૩ લાખ કરતાં વધારે વસ્તી છે અને વસ્તીનાં પ્રમાણમાં વાહનોની સંખ્યા રહેલી છે અને આ વાહન ચાલકોને પીયુસી મેળવવી હોય તો પીયુસી સેન્ટર ઉપર જવું પડે છે. જૂનાગઢ શહેરમાં પીયુસી સેન્ટર ગણ્યાં-ગાંઠ્યા છે ત્યારે પરિસ્થિતી વધુ મુશ્કેલજનક દિવસે-દિવસે બની રહી છે. જે-તે પીયુસી સેન્ટર ઉપર લોકો સવારનાં ૬ વાગ્યાથી લાઈનો લગાડી દે છે અને મોડી રાત્રીનાં ૧ વાગ્યા સુધી જુદાં-જુદાં સેન્ટરો ઉપર પીયુસી મેળવવા માટે લોકોની ભીડ જોવા મળે છે. જેથી તહેવારોનાં આ દિવસો દરમ્યાન ટ્રાફિકનાં નવા નિયમો અને પીયુસી માટે વધુ મુદ્દત વધારવાની જરૂર છે અને જે શહેરોમાં પીયુસી સેન્ટર અપુરતાં હોય ત્યાં વધારે પીયુસી સેન્ટર ખોલવાની પણ માંગણી ઉઠવા પામી છે. જો કે વાહન વ્યવહાર વિભાગ દ્વારા ૧પ૦૦ પીયુસી સેન્ટર ખોલવાનો નિર્ણય લીધો છે. પરંતુ આ અંગે કામગીરી તત્કાલ શરૂ કરવાની માંગણી ઉઠવા પામી છે.

Leave A Reply