Monday, December 9

જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂં પાડતા હસ્નાપુર ડેમનાં નવા નીરનાં વધામણાં

ગુજરાતનાં જીવાદોરી સમાન નર્મદા ડેમ સૌપ્રથમવાર ઓવરફલો થતાં વડાપ્રધાનશ્રીનાં જન્મદિવસ એટલે કે ગઈકાલે આ નીરનાં વધામણાં માટેનાં કાર્યક્રમો અને પૂજન યોજવામાં આવેલ હતું. આ સાથે જ જૂનાગઢની જનતાને માટે આનંદદાયક સમાચાર જા કોઈ હોય તો એ છે કે ૩ર વર્ષ બાદ જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂં પાડતો હસ્નાપુર ડેમ પણ છલકાય ગયો હોય અને તેનું પુજન સહિતનાં કાર્યક્રમ યોજવામાં આવ્યા હતાં.
જૂનાગઢ સહિત સોરઠ, સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતભરમાં આ વર્ષે મેઘરાજાની અવિરત મેઘમહેર રહી છે. આ મેઘ વર્ષાને કારણે ગુજરાત રાજયનાં મોટાભાગનાં જળાશયોમાં ભરપુર પાણીની આવક રહી છે. લગભગ પ૦ ટકા કરતાં વધારે ડેમો ઓવરફલો થઈ ચુક્યાં છે. ગુજરાતમાં સારા ચોમાસાને લઈને પાણી અને સિંચાઈની પણ મુશ્કેલીનો અંત આવ્યો છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતીમાં સૌપ્રથમવાર છલોછલ ભરાઈ ગયેલાં નર્મદા ડેમનાં ગામે-ગામ અને દરેક શહેરમાં નમામિ દેવી નર્મદેનાં નારા સાથે પૂજન-મહાપૂજન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. જૂનાગઢ શહેરમાં પણ નમામિ દેવી નર્મદા અંતર્ગત પૂજનનાં કાર્યક્રમો યોજાયા હતાં. આ ઉપરાંત જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂં પાડતાં વિલિંગ્ડન ડેમ, નરસિંહ મહેતાં સરોવર, આણંદપુર ડેમ વગેરે તો અવારનવાર છલકાય જતાં હોય છે અને ઓવરફલોની હેટ્રીકો નોંધાવી છે પરંતુ હસ્નાપુર ડેમ જે વિશાળ ક્ષેત્રમાં આવેલો છે તેવો આ હસ્નાપુર ડેમ પણ છલકાય જતાં તેનાં નીરનાં વધામણાં અને પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત રાજયનાં મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા, પ્રભારી ગોરધનભાઈ ઝડફીયા તેમજ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે.મેયર હિમાશુંભાઈ પંડ્યા તેમજ સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાસક પક્ષનાં નેતા નટુભાઈ પટોળીયા, શાસક પક્ષનાં દંડક ધરમણભાઈ ડાંગર તેમજ પૂર્વ મેયર આદ્યશક્તિબેન મજમુદાર, મહિલા આયોગનાં ઉપાધ્યક્ષ જયોતિબેન વાછાણી, સંજયભાઈ કોરડીયા, અલ્પેશભાઈ ચાવડા, હરેશભાઈ પરસાણા, ગોપાલભાઈ રાખોલીયા, કિશોરભાઈ ચોટલીયા સહિતનાં મહાનુભાવો પણ આ તકે ઉપસ્થિત રહ્યાં હતાં.
મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું હતું કે હસ્નાપુર ડેમ ૧૯૮૩માં છલકાયો હતો અને જે-તે વખતે શાપુર, વંથલીની હોનારત સાથે દુઃખદ બનાવો બન્યાં હતાં. ત્યારબાદ આ વર્ષે મેઘરાજાએ શાંતિપૂર્ણ રીતે અને ખુબ જ અમીવર્ષા વરસાવતાં જૂનાગઢ શહેરમાં સારો એવો વરસાદ અને ઉપરવાસનાં તેમજ જંગલ વિસ્તારમાં પણ સારા વરસાદનાં પગલે ૩ર વર્ષ બાદ હસ્નાપુર ડેમ પુરેપુરો છલકાય ગયો છે અને હસ્નાપુર ડેમનાં નવા નીરનાં વધામણાં કરવામાં આવેલ હતાં તેમજ પૂજન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. હસ્નાપુર ડેમ પુરેપુરો ભરાઈ જતાં જૂનાગઢ શહેરને બે વર્ષ સુધી પાણીની કોઈપણ જાતની મુશ્કેલી નહીં પડે તેમ મેયરશ્રીએ જણાવ્યું હતું.

Leave A Reply