હેલ્મેટ પહેર્યા વિના ફર્યા, ફોટા પડયા, સોશ્યલ મિડીયામાં વાઈરલ થયાને દંડાયા


પોતાને કાયદાથી પર માનતા ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ જવાનો માટે લાલબતીરૂપ કિસ્સો સામે આવ્યો છે. હેલ્મેટ પહેર્યા વિના ફરતાં આવા કર્મીના ફોટો પાડીને વાઈરલ થતાની સાથે જ નંબર પ્લેટના આધારે ગાડીના મૂળ માલિક સુધી પહોંચીને તેને મેમો પકડાવ્યા છે. આવા બે કિસ્સામાં ટ્રાફિક બ્રિગેડ અને તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દંડાયા છે.
વાત જાણે એમ છે કે, ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં અનેક સ્થળો ઉપર ચેકીંગ કરવામાં આવે છે. ખાસ હેલ્મેટ ન હોય તો તુરત દંડની પાવતી પકડાવવામાં આવે છે. દરમ્યાન જૂનાગઢના ભાવેશભાઈ મોકરીયાએ એક ફોટો સોશ્યલ મિડીયામાં વાઈરલ કર્યો હતો. જેમાં ટ્રાફિક બ્રિગેડ હેલ્મેટ વગર શહેરમાંથી પસાર થઈ રહ્યા હતા. આ પોસ્ટ બાદ ટ્રાફિક પોલીસે વિભાગે તપાસ હાથ ધરતાં નંબર પ્લેટ જીજે-૧૧-એકે-૦પ૩૭ નંબરનું બાઈક કપિલ હરસુખભાઈ વાઘેલાનું હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસમાં તેઓ ગોધાવાવની પાટી વિસ્તારમાં વાલ્મીકી વાસમાં રહેતા હોવાનું અને ટ્રાફિક બ્રિગેડ હોવાનું જાણવા મળ્યું હતું. તેમ છતાં શહેર ટ્રાફિક પોલીસે તેના નામે રૂ.પ૦૦નો મેમો ફાડી દંડ વસુલ કર્યો હતો. આવા જ એકબીજા બનાવમાં તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રવિરાજસિંહ પોતાનું બાઈક લઈને પસાર થતાં હોય, દરમ્યાન ટ્રાફિક પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાઈ રહ્યું હતું. ત્યારે રવિરાજસિંહ પાસે હેલ્મેટ ન હોવાનું જણાતા તેને પણ રૂ.પ૦૦નો દંડ ફટકાર્યો હતો. આમ જૂનાગઢ ટ્રાફિક પોલીસે કાયદો બધા માટે સમાન છે તેવું સાબિત કરી બંનેને રૂ.પ૦૦-પ૦૦નો દંડ ફટકાર્યો હતો.
આમ શહેરમાં કાયદા કાનુનનું પાલન બધા માટે લાગુ પડે છે તેમાંથી કોઈ છટકી નહીં શકે તે વાત સાબિત કરી બતાવી છે. ત્યારે સામાન્ય વ્યક્તિ પણ હવે કાયદા પાલન માટે સજ્જ થઈને રહે અન્યથા દંડ ભરવા તૈયાર રહે તેવો મેસેજ પસાર થઈ રહ્યો છે.

Leave A Reply