મધુરમ-વંથલી હાઈવે ઉપર પ્રાથમિક સુવિધાનાં પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ : ચક્કાજામ કરાયું

જૂનાગઢનાં વિકસીત ગણાતાં મધુરમ-ટીંબાવાડી વિસ્તારનાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે. ખાસ કરીને ગટર, પાણી, લાઈટ, રસ્તા સહિતનાં પ્રશ્નો વર્ષોથી મુંઝવી રહ્યાં છે. ચોમાસાનાં દિવસોમાં વરસાદી પાણીનો નિકાલ ન થવો, ખરાબ રસ્તા, લાઈટ અને સફાઈ સહિતનાં મુદ્દે રજુઆતો કરવા છતાં કોઈ પણ જાતનો ઉકેલ ન આવતાં ગઈકાલે મહિલા વર્ગ ભારે રોષે ભરાયો હતો અને રસ્તા ઉપર ચક્કાજામ સર્જી દેતાં દોડધામ મચી જવા પામી હતી. મધુરમ-વંથલી હાઈવે ઉપર મહિલાઓનાં ચક્કાજામનાં કારણે ટ્રાફિકજામ જેવી સ્થિતી સર્જાણી હતી અને લાંબે સુધી વાહનોનો કતારો લાગી ગઈ હતી. આ ચક્કાજામ દરમ્યાન એમ્બ્યુલન્સ વાન ફસાઈ હતી પરંતુ લોકોએ માનવતા દાખવી સમયસુચકતા વાપરી અને આ વાહનને તાત્કાલીક એમ્બ્યુલન્સ પસાર કરવા કાર્યવાહી કરી હતી. બીજી તરફ જ્યાં સુધી લોકોનાં પ્રશ્નોનો હલ ન થાય ત્યાં સુધી રસ્તા રોકો આંદોલન જારી રાખવાનો નિર્ણય મહિલા વર્ગે લઈ અને અડીંગો જમાવી દીધો હતો. મધુરમ ટીંબાવાડીમાં કોમ્યુનિટી હોલ, શાકમાર્કેટ, નવું સ્મશાન ગૃહ બનાવા અને રોજરોજ પાણી વિતરણ થાય તે પ્રશ્ને તંત્રને અનેકવાર રજુઆત કરી છે. બાયપાસને કારણે ટ્રાફીક અને અકસ્માતનાં પ્રશ્નો, પોલીસનું રાત્રી પેટ્રોલીંગ આપવા લોકો દ્વારા માંગણી ઉઠી છે. આવી ચકકાજામ પરિસ્થિતી વચ્ચે સંબંધિત તંત્ર તેમજ સી ડીવીઝન પોલીસ બનાવનાં સ્થળે પહોંચી અને લોકોની સાથે સમજાવટ કરી અને આ રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મધુરમ વિસ્તારને જૂનાગઢ કોર્પોરેશનમાં ભેળવ્યાં બાદ ફકતને ફકત વેરાઓ ઉઘરાવવામાં આવે છે જુદાં-જુદાં કરવેરાઓ નાંખી અને પ્રજા પાસેથી અત્યાર સુધીમાં લાખો રૂપિયાની વસુલાત કરવામાં આવી છે પરંતુ તેની સામે પ્રજાને જે પ્રાથમિક સુવિધા આપવી પડે તે સુવિધાનો સદંતર અભાવ છે. આવા સંજાગોમાં આ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા તાત્કાલિક અસરથી લોકોની પ્રાથમિક જરૂરીયાતોને જો પુરી કરવામાં નહીં આવે અને એ પ્રમાણે સુવિધા આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ જન આંદોલન ફાટી નીકળે તો નવાઈ નહીં.

Leave A Reply