હવામાનમાં પલ્ટો : આકાશમાં વાદળોના ગંજ વચ્ચે મેઘાવી માહોલ છવાયો

જૂનાગઢ સહિત રાજ્યભરમાં શ્રાવણ માસ અને ભાદરવો માસ દરમ્યાન મેઘરાજાની કૃપા વરસતા સારો એવો વરસાદ પડી ગયો છે અને પાણીનું સંકટ અને અછતની સ્થિતિ હટી ગઈ છે. રાજ્યના મોટાભાગના ડેમોમાં નવા નીર આવ્યા છે અને પ૦ ટકાથી વધારે ડેમો ઓવરફલો થયા છે. ચોમાસાના વિદાયના દિવસો હવે દુર નથી તે દરમ્યાન ફરી નવો રાઉન્ડ શરૂ થવાના નિર્દેશો મળી રહ્યા છે. ગુજરાતમાં આવતીકાલથી ભારે વરસાદ થવાની આગાહી સાથે ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે સાવચેતી રાખવામાં આવી રહેલ છે. ઉપરાઉપરી બે સીસ્ટમ શરૂ થઈ હોવાના કારણે વરસાદ આવી શકે છે અને આવતાં ૮ થી ૯ દિવસ સુધી મેઘાવી માહોલ વચ્ચે છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની શકયતા હોવાનું હવામાન વિભાગે દર્શાવી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં ફરી પલ્ટો આવ્યો છે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં જૂનાગઢમાં મોડી સાંજે જોરદાર વરસાદનું ઝાપટું વરસ્યું હતું. જયારે ઉનામાં ર.પ ઇંચ અને ગ્રામ્ય વિસ્તારોમાં ર થી પ ઇંચ વરસાદ પડયો છે. જ્યારે દિવમાં ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓમાં પાણી ભરાયા છે. જ્યારે કોડીનારમાં બે ઇંચ, ગીરગઢડામાં સવા ત્રણ ઇંચ, તાલાલામાં ૧ ઇંચ અને વેરાવળમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.
જ્યારે અમરેલી જીલ્લાના ધારીમાં ૩ ઇંચ, સાવરકુંડલામાં દોઢ, જાફરાબાદમાં એક રાજુલામાં અડધો ઇંચ અને ખાંભામા ઝાપટા પડયા છે. જ્યારે ભાવનગરના મહુવામાં ૧ ઇંચ તથા તળાજા અને ગારીયાધારમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.
ઉના
ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવાર સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં જોરદાર ઝાપટા ચાલુ રહેતા બેથી પાંચ ઇંચ વરસાદ પડી ગયો હતો. ઉનામાં અઢી ઇંચ વરસાદ પડયો હતો. સવારે સૂર્ય પ્રકાશિત વાતાવરણ છે. ઉના-ગીરગઢડા તથા ભાચા ખાવટ કંસારી સામતેર અમોદરા અંજાર સહિત વિસ્તારમાં વરસાદ વરસી ગયો હતો.
ભાવનગર
મહુવાના લોગંડી ગામે વાડી વિસ્તારમાં ભાગ રાખીને રહેતાં હતા અને વાડામાં બાંધેલ બે ભેંસ ઉપર વિજળી ત્રાટકી હતી અને બન્ને ભેંસના મોત નિપજ્યું હતું. આ અંગે લોગંડી ગામના સરપંચ પ્રકાશભાઇ ચૌહાણનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, સાંજના ૬ઃ૩૦થી ૭ વાગ્યાના સમયમાં જોરદાર કડાકો થયો હતો અને પોપટભાઇ બચુભાઇ શિયાળની માલીકીની બંન્ને ભેંસ ઉપર વિજળી પડી હતી અને તેઓ તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ભેંસો ઉપર વિજળી પડી હોવાનું બહાર આવ્યું હતું.

Leave A Reply