હાલમાં સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો બનાવી, નિયમોના ભંગ કરનાર વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા પોલીસ સ્ટાફ દ્વારા પણ આ નિયમોના પાલન કરવામાં આવે અને ટ્રાફિકના નિયમોના પાલન નહીં કરનાર પોલીસ સ્ટાફના માણસો વિરૂધ્ધ પણ મોટર વ્હિકલ એકટ મુજબ કાર્યવાહી કરવા માટે સખ્ત સૂચના કરી કડક કાર્યવાહી કરવા માટે સુચનાઓ કરવામાં આવેલ છે.
જૂનાગઢ શહેરમાં જૂનાગઢ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. જે અંગે જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા આપેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિહ જાડેજા તથા પ્રોબેશ્નર ડીવાયએસપી સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ તમામ ડિવિઝનના પોલીસ અધિકારીઓ તથા ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઈ એ.સી.ઝાલા સહિતના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા નાગરીકો ઉપરાંત પોલીસ વિરૂધ્ધ પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મેમાં ફટકારીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં પોલીસ સ્ટાફનાં જવાનોમાં પણ ફફડાટ ફેલાયો છે અને મોટાભાગના પોલીસ જવાનો પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા જોવા મળ્યા છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન પહેલા પોલીસ તંત્રમાંથી જ ચાલુ કરાવવાની સૂચના કરવામાં આવતાં પોલીસ સ્ટાફના રવિરાજ વલકુંભાઈ તથા ટ્રાફિક બ્રિગેડ કપિલ હરસુખલાલ વાઘેલાને ટ્રાફિકના દંડ કરીને પહોંચ ફટકારી દેવામાં આવેલ હતી.
ઉપરાંત, દરેક થાણા અમલદારોને પણ રોલકોલમાં તમામ પોલીસ સ્ટાફને ટ્રાફિકના નિયમોના પાલન કરવા અને ખાસ કરીને બાઇક ચાલકોને હેલ્મેટ પહેરવા તાકીદ કરવામાં આવતા, તમામ પોલીસ સ્ટાફ દ્વારા હેલ્મેટ પહેરવા ચાલુ કરવામાં આવેલ છે. હવે પછી ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર સ્ટાફ ઉપર આંકરા પગલાં પણ લેવામાં આવશે, એવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવે છે. હાલમાં પણ જૂનાગઢ જિલ્લામાં તમામ પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રાફિક ચેકીંગ હાથ ધરી, હેલ્મેટ, ત્રણ સવારી, ચાલુ વાહને મોબાઈલના ઉપયોગ, સીટ બેલ્ટ, વિગેરે ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ આશરે ૨૦૦ વાહન ચાલકો દંડાયા હતા. જૂનાગઢ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો અંગે કરવામાં આવેલ કાર્યવાહીના કારણે લગભગ ૯૫% વાહન ચાલકો સીટ બેલ્ટ સાથે જોવા મળ્યા હતા અને ૫૦% જેટલા વાહન ચાલકો હેલ્મેટ સાથે જોવા મળ્યા હતા. અમુક વાહન ચાલકો તથા પાછળ બેસેલે વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરેલા જણાઈ આવેલ હતા તેમજ એસ.ટી. ચાલકો પણ સીટ બેલ્ટ સાથે જોવા મળ્યા હતા, જેઓને પોલીસ દ્વારા એપ્રિસિએટ કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં ટ્રાફિકના નિયમોના કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.