Saturday, October 19

સોમવારે દિવસ-રાત સરખાની અદ્‌ભુત ખગોળીય ઘટના નિહાળવા મળશે

સુર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષૃવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદબિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતનાં લોકોએ માર્ચની તા.ર૧-રરમીએ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો અને જુન તા.ર૧મીએ લાંબામાં લાંબો દિવસનો અનુભવ કર્યા પછી શરદ સંપાતનાં કારણે સોમવાર તા.ર૩મી સપ્ટેમ્બરે દિવસ-રાત સરખા હોવાનો અદ્‌ભુત અનુભવ માણવા અહેસાસનો મોકો મળશે. આ ખગોળીય ઘટના વસંત સંપાત પછી શરદ સંપાત ઘટનાનો લાભ લેવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યા જણાવે છે કે પૃથ્વી પોતાની ધરી ર૩.પ અંશનાં ખુણે નમેલી હોય છે. પૃથ્વીનું માથું દક્ષિણ અને ઉત્તર તરફ નમેલું હોવાના કારણે પૃથ્વીવાસીઓને ગરમી અને ઠંડી વિવિધ આબોહવાનો અનુભવ સુર્યનાં કિરણોના કારણે જોવા મળે છે. ૩૬પ દિવસમાં દિવસ-રાત સરખા બે વખત અને લાંબો દિવસ, રાત-દિવસ ટુંકા અને રાત્રી લાંબી વગેરે ખગોળીય ઘટનાના કારણે જોવા મળે છે જેમાં સંપાતની મહત્વની ભુમિકા છે.
તા.ર૩-૯-૧૯ સોમવારની સ્થિતીએ સૂર્યોદય-સુર્યાસ્તનાં સમયમાં રાજકોટમાં સૂર્યોદય ૬ કલાક અને ૩૬ મિનીટે, સુર્યાસ્ત ૬ કલાકને ૪૩ મિનિટે, અમદાવાદમાં સુર્યોદય ૬ કલાકને ર૮ મિનિટે, સુર્યાસ્ત ૬ કલાકને ૩પ મિનિટે, વડોદરામાં સુર્યોદય ૬ કલાકને ૩૦ મિનિટે, સુર્યાસ્ત ૬ કલાકને ૩ર મિનિટે, સુરતમાં સુર્યોદય ૬ કલાકને ર૯ મિનિટે, સુર્યાસ્ત ૬ કલાકને ૩૬ મિનિટે, થરાદમાં સુર્યોદય ૬ કલાકને ૩પ મિનિટે, સુર્યાસ્ત ૬ કલાકને ૩૪ મિનિટે, ભુજમાં સુર્યોદય ૬ કલાકને ૩૬ મિનિટે, સુર્યાસ્ત ૬ કલાકને ૩પ મિનિટે, ભાવનગરમાં સુર્યોદય ૬ કલાકને ૩૧ મિનિટે, સુર્યાસ્ત ૬ કલાકને ૩૩ મિનિટે થશે. ભારતમાં સરેરાશ દિવસ ૧૧ કલાકને પ૮ મિનિટનો રહેશે. દેશમાં સુર્યોદય-સુર્યાસ્તમાં સામાન્ય તફાવતનાં કારણે ૩ મિનિટથી ૭ મિનિટનો તફાવત ધ્યાને રાખી ગણતરી કરવામાં આવી છે. દિવસ-રાતનો સામાન્ય તફાવત જોવા મળશે. અંતમાં સોમવારે દિવસ-રાત સરખા જોવા મળશે. દેશવાસીઓને આ ખગોળીય ઘટનાનો અનુભવ કરવા જાથાએ અપીલ કરી છે. વિશેષ માહિતી માટે મો.૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા કાર્યાલય મંત્રી અંકલેશ ગોહીલની યાદીમાં જણાવ્યું છે.

Leave A Reply