જૂનાગઢની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સાથે મનપા એમઓયુ કરી છાત્રોની વહિવટ અને વિકાસ કામોમાં મદદ લેશે

જૂનાગઢ મહાનગરપાલિકાના વહીવટમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના વિદ્યાર્થીઓને આવરી લઈ વિદ્યાર્થી તાલીમ કાર્યક્રમ હાથ ઉપર લેવામાં આવ્યો છે. જેનાથી કોર્પોરેશનના વહીવટ અને વિકાસ કામોમાં વિદ્યાર્થીઓની ભૂમિકા શરૂ થશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં વિદ્યાર્થીઓને આ રીતે તક આપી જૂનાગઢ શહેરના વિકાસમાં જનભાગીદારી વધારવાનો પ્રયોગ દેશમાં કદાચ પ્રથમ વખત થઈ રહ્યો છે. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ઠરાવ થયા બાદ આ યોજના આગળ વધારવામાં આવશે. શહેરના યુવા કમિશ્નર તુષાર સુમેરા (આઈએએસ) આ યોજનાને અમલમાં મુકવા કાર્યરત છે. જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી, કૃષિ યુનિવર્સિટી અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને જૂનાગઢ કોર્પોરેશનમાં તાલીમ માટે બોલાવવામાં આવશે. કોર્પોરેશનના જે તે ક્ષેત્રના અધિકારીઓ સાથે રહીને તેમની કામગીરી સુપરવિઝન (દેખરેખ) અને ઈનોવેશન (નવીનીકરણ)ની રહેશે. કામની સત્તાવાર જવાબદારી જે તે અધિકારીની જ રહેશે પરંતુ તાલીમી વિદ્યાર્થી તેમાં પોતાના વિચારો વ્યકત કરી શકશે અને કામગીરી સુધારવા માટે અહેવાલ આપી શકશે. આ પ્રયોગથી ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓને કામનો અનુભવ મળશે તેમજ શહેરને તેના કૌશલ્યનો લાભ મળશે. જે શાખાના વિદ્યાર્થી હશે તેને અનુરૂપ કામગીરી સાથે જોડવામાં આવશે. દા.ત. સિવીલ એન્જીનીયરીંગના વિદ્યાર્થી હોય તે તેમને રસ્તા, બાંધકામ જેવી કામગીરીમાં જોડવામાં આવશે. આર્ટસના વિદ્યાર્થીઓ સ્વચ્છતા અને અન્ય પ્રજા કલ્યાણની યોજનામાં પોતાનુ યોગદાન આપી શકે છે. કાયદા ક્ષેત્રના વિદ્યાર્થીઓ કોર્પોરેશનની કાયદાકીય બાબતમાં પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી હીર ઝળકાવી શકશે. આ અંગે કમિશ્નર તુષાર સુમેરાને પુછતા તેમણે જણાવેલ કે, સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી મળ્યા બાદ આ વિદ્યાર્થી તાલીમ કાર્યક્રમની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ જૂનાગઢની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમઓયુ કરવામાં આવશે. ભવિષ્યમાં જૂનાગઢ બહારની શૈક્ષણિક સંસ્થાઓને પણ આવરી લેવા માટે આગળ વધશું. આ યોજનામાં જોડાનાર વિદ્યાર્થીઓએ બે માસ સુધી દરરોજ પોતાના અભ્યાસ સમય ઉપરાંત એક થી બે કલાક ફાળવવાની રહેશે. તેમને વોર્ડવાઈઝ કામગીરી સોંપવામાં આવશે. પ્રથમ તબક્કે ૨૦૦ વિદ્યાર્થીઓને જોડવાની ગણતરી છે. તાલીમ પુરી કર્યા બાદ વિદ્યાર્થીને કોર્પોરેશન તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ યોજનાથી જોડાયેલા વિદ્યાર્થીઓને કોર્પોરેશનના વહીવટ અને જૂનાગઢ શહેરના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યાનો સંતોષ મળશે. કોર્પોરેશનને વિદ્યાર્થીઓની શકિત અને આધુનિક ટેકનોલોજી આધારીત જ્ઞાનનો લાભ મળશે. રાબેતા મુજબની કામગીરી કરતા કંઈક નવુ થઈ શકશે. લોકોની ફરીયાદો ઘટશે. વહીવટી પારદર્શકતા વધશે. સૌના સાથથી આ યોજના અમલમાં મુકવા માગીએ છીએ. મંજુરીની વહીવટી પ્રક્રિયા પુરી થયા બાદ તેનો વિધિવત શુભારંભ સમારંભ થશે. યોજના અમલમાં આવ્યા પછી જરૂરી સુધારા વધારાને અવકાશ છે. જૂનાગઢ શહેરના વિકાસની દિશામાં આ યોજના ખૂબ મહત્વની બનવાની આશા છે.

Leave A Reply