જૂનાગઢ જીલ્લામાં સાર્વત્રીક એકથી દોઢ ઈંચ વરસાદ

સોરઠ ઉપર મેઘરાજા સતત મહેર વરસાવી રહ્યા છે અને જળ સંકટને સાવ હળવું બનાવી દીધું છે. ભાદરવા મહિનામાં જોરદાર વરસાદ પડયા બાદ મેઘરાજાએ થોડો વિરામ લીધો હતો અને ફરી અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા મેઘરાજાએ શુક્રવારે ફરી સોરઠમાં એન્ટ્રી કરી હતી. ફલ્ડ કન્ટ્રોલમાંથી મળેલા તા.ર૧-૯-૧૯ના સવારના ૬ સુધીના વરસાદના આંકડા મુજબ કેશોદમાં ૩૩ મીમી, જૂનાગઢ રૂરલ અને સીટીમાં ર૧, ભેંસાણ ૮, મેંદરડા ૩૧, માંગરોળ ર૯, માણાવદર ર૪, માળીયા ૩ર, વંથલી ર૬ અને વિસાવદરમાં ર મીમી વરસાદ નોંધાયો હતો. આમ અત્યાર સુધીમાં જીલ્લામાં સરેરાશ ૧ર૬.૬૯ ટકા વરસાદ પડી ચુકયો છે. દરમ્યાન અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રીય થયું છે અને આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી ડીપ્રેશનમાં પરીવર્તન થશે. જેની અસરના પગલે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી તા.ર૪ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

Leave A Reply