જૂનાગઢ સહિત સોરઠમાં રોગચાળાએ ઉંચક્યું માથું : દવાખાનાઓ દર્દીઓથી ઉભરાય છે

જૂનાગઢ શહેર તથા જિલ્લામાં રોગચાળાએ માથું ઉચકયું છે અને ખાનગી તેમજ સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. ૩ પરિવારમાંથી બે પરિવારમાં કોઈને કોઈ સભ્ય માંદગીના બિછાને હોય તેવી સ્થીતિ પ્રવર્તી રહી છે. જૂનાગઢના મજેવડી દરવાજા સ્થીત સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓ સતત ઉભરાઈ રહ્યા છે. જૂનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો, પોરબંદર જિલ્લો, રાજકોટ અને ગીર-સોમનાથ સહિતના જિલ્લાઓમાંથી પણ સંખ્યાબંધ દર્દીઓ જુદી જુદી સેવા માટે આ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. વિવિધ જિલ્લાઓની સરહદે એક માત્ર જૂનાગઢની આ સિવિલ હોસ્પિટલ હોય તેથી કાયમને માટે દર્દીઓનો સતત ધસારો રહે છે. એકસીડન્ટ કેસ હોય કે અન્ય કોઈ કેસોના દર્દીઓને પૂરતી સારવાર આપવામાં આવી રહી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અપૂરતો સ્ટાફ હોવા છતાં દર્દીઓને ઝડપી સારવાર મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. એક અંદાજ પ્રમાણે દરરોજની ૧૭૦૦ થી ર૦૦૦ દર્દીઓની ઓપીડી થતી હોય છે જેમાંથી ઈન્ડોર પેશન્ટ ૬૦૦ જેટલા થાય છે અને જુદા જુદા જિલ્લામાંથી આવેલા દર્દીઓને પણ એકસરખી સારવાર આપવામાં આવે છે. જયારથી રોગચાળાએ માથું ઉંચકયું છે ત્યારથી આ હોસ્પિટલમાં ડેંન્ગ્યુના, મેલેરીયાના કેસો આવી રહ્યા છે. અઠવાડીયા દરમ્યાન ૧પ થી ર૦ જેટલા ડેંન્ગ્યુના કેસો આવતા હોય છે અને સિવિલ હોસ્પિટલના તબીબી સ્ટાફ દ્વારા તેઓને ઉત્તમ સારવાર પૂરી પાડવાને કારણે ડેંન્ગ્યુના કોઈ કેસમાં નિષ્ફળતા પ્રાપ્ત થઈ નથી અને દર્દીઓ અહીંથી સાજા સારા થઈને મોકલવામાં આવી રહ્યા હોવાનું તબીબી સુત્રોએ જણાવ્યું હતું.
જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં વરસાદની મૌસમ અંતિમ પડાવમાં પહોંચી ગઈ છે. ભાદરવો માસ પણ પૂર્ણતાના આરે થવા જઈ રહ્યો છે. આગામી દિવસોમાં નવરાત્રિ મહોત્સવ શરૂ થવાનો છે પરંતુ ત્યાર પહેલાં વચ્ચેના દિવસોમાં રોગચાળાએ સમગ્ર સૌરાષ્ટ્રને અજગર ભરડામાં લીધું છે. મચ્છર, ઈતડી, ચાચડ જેવા જંતુઓથી તથા વાઈરલ, ફલુ જેવા રોગોએ માથું ઉચક્યું છે. કોંગો ફીવર ફેલાય તેવી અનેક જગ્યાએ ઈતડીનું પ્રમાણ ઠેર-ઠેર જોવા મળી રહ્યું છે. સતત ભેજવાળા વાતાવરણથી શરદી, ન્યુમોનિયા જેવા રોગોએ પણ દેખા દીધી છે. શરદી, ઉધરસ, તાવ, ઝેરી મેલેરીયા, ડેંન્ગ્યુ સહિતના કેસો અને કયાંક ચિકનગુનીયાના કેસો પણ નોંધાઈ રહ્યા છે. આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ઘેર ઘેર માંદગીના ખાટલા લોકોના ઘરે જાવા મળી રહ્યા છે. ખાનગી દવાખાના અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટયો છે. રોગચાળાના ગંભીર પ્રકારના કેસો આવી રહ્યા છે તો બીજીતરફ સરકારી તંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય વિષયક પગલાં લેવામાં આવી રહ્યા છે. જૂનાગઢની સરકારી હોસ્પિટલ ખાતે પણ દરરોજના સંખ્યાબંધ કેસો આવી રહ્યા છે. અપૂરતો તબીબી સ્ટાફ હોવા છતાં અહીં આવનારા દર્દીઓને પૂરતી સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે, લોકોએ ઘર આસપાસ પણ સાફ-સફાઈ રાખવી, ગંદુ પાણી એકત્ર થવા ન દેવા સહિતની કાળજી અને સાવચેતી લેવી જરૂરી છે. જૂનાગઢ જીલ્લામાં માત્ર માસમાં મેલેરીયાના પ૩ કેસ નોંધાયા હતા જેમાંથી ૩ કેસ ઝેરી મેલેરીયાના નોંધાયા છે જયારે ૪ ડેંન્ગ્યુના કેસ નોંધાતાં આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે તપાસ શરૂ કરી લોકોની સ્લાઈડ ટેસ્ટ લેવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં રોગચાળો વધ્યો હોય તેમ સિવીલ હોસ્પિટલમાં બેડ ખુટી પડ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળી રહેલ છે. ચોમાસાનીસિઝનમાં રોગચાળો વકર્યો હોય તેમ તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિત મેલેરીયા, ડેંન્ગ્યુ અને ચિકનગુનીયાના દર્દીઓ વધારે જાવા મળે છે. જૂનાગઢ જિલ્લામાં મેલેરીયા, ડેંન્ગ્યુના કેસ નોંધાતાં આરોગ્ય વિભાગે રોગચાળો અટકાવવા કામગીરી શરૂ કરી દીધી હતી અને છેલ્લા બે માસમાં પ૩,૯૦૦ સ્લાઈડ ટેસ્ટ કરવામાં આવી હતી.

Leave A Reply