જૂનાગઢથી ગિરનાર સુધીની ફરી એકવાર હેલીકોપ્ટર સેવા શરૂ થશે

જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ખાતે જગત જનની માં અંબાજી માતાજીના જ્યાં બેસણા છે તેવી પાવનકારી જગ્યા ખાતે માતાજીના દર્શને ભાવિકો મોટી સંખ્યામાં આવતાં હોય છે પરંતુ ખાસ કરીને વૃધ્ધ અને અબાલ લોકો દર્શનનો લાભ લઈ શકતા નથી. પરંતુ હવે આ લોકો માટે પણ ખાસ આશીર્વાદરૂપ સેવા શરૂ થઈ રહી છે. આગામી દિવસોમાં જ મહત્વાકાંક્ષી રોપ-વે યોજના શરૂ થવા જઈ રહી છે તો બીજી તરફ ફરી એકવાર જૂનાગઢથી ગીરનાર સુધીની હેલીકોપ્ટર સેવા પણ શરૂ થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે. સને-૨૦૦૬માં ગીરનારના પ્રવાસે આવતા દેશ-વિદેશના યાત્રાળુઓ માટે પવનહંસ અને હેકન કંપની દ્વારા ઝફર મેદાનથી અંબાજી મંદિર સુધીની હેલીકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી અને અંતર લાંબુ હોવાથી એક વ્યક્તિ દીઠ રૂ.૭,૦૦૦ દીઠ ચાર્જ વસુલવામાં આવતો હતો. જે ફી વધુ હોવાથી યાત્રીકોને પરવડતો ન હતો. જેથી ઓછા ટ્રાફીકના કારણે બન્ને ખાનગી કંપની દ્વારા આ સેવા બંધ કરવામાં આવી હતી. દરમ્યાન મળતાં સારા સમાચારો મુજબ જૂનાગઢના જીલ્લા સમાહર્તા ડો.સૌરભ પારઘી દ્વારા જૂનાગઢના ગીરનાર પ્રવાસે આવતા યાત્રાળુઓને અંબાજી મંદિર સુધીની હેલીકોપ્ટર સેવા મળે તે માટે એક આવકારદાયક કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લા સમાહર્તા પારઘીએ આ માટે પોલીસ તથા વનવિભાગની મંજુરી માટે જરૂરી કાર્યવાહી પણ કરી દીધી છે. એક વાત મુજબ ગીરનારના અંબાજી સુધીની હેલીકોપ્ટર સેવા આ વખતે શહેરના છેવાડાના ઝફર મેદાનના બદલે ભવનાથ ક્ષેત્રમાંથી જ શરૂ થાય એવું વર્તુળોમાંથી જાણવામાં મળેલ છે અને જરૂરી મંજુરીઓ બાદ ખાનગી કંપની દ્વારા ફરી એક વખત ભવનાથથી ગીરનારના અંબાજી મંદિર સુધીની હેલીકોપ્ટર સેવા બહુ ટૂંકાગાળામાં કાર્યરત થઇ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના પાવન પ્રસિધ્ધ ગીરનાર અને તેમની ઉપર બીરાજતાં માં અંબાજી તથા ગુરૂ દત્તાત્રેયના દર્શન કરવા અને અલૌકિક સૌંદર્યનો નજારો માણવો એ સૌ કોઇ દેશ-વિદેશના યાત્રાળુઓ, શ્રધ્ધાળુઓની મહેચ્છા હોય છે પરંતુ ૯૯૯૯ પગથીયા ચડી ગીરનારની યાત્રા કરવી તે અશકત કે વૃધ્ધ અથવા મહિલાઓ અને નાના બાળકો માટે અઘરૂ ચઢાણ બની રહે છે. જેથી હેલીકોપ્ટર સેવા શરૂ થાય તો રાહતરૂપ રહેશે.

Leave A Reply