આગામી તા.૬ ઓકટોબરના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢના બનશે મહેમાન

આગામી દિવસોમાં નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે અને જૂનાગઢ સહિત રાજ્યભરમાં નવરાત્રી મહોત્સવની ઉમંગ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવનાર છે. જૂનાગઢ શહેરમાં પણ નવરાત્રી મહોત્સ્વને લઈને અનેક પ્રકારના આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે અને સાથે નવરાત્રીના આ ઉમંગભર્યા દિવસોમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા હોવાના નિર્દેશો મળી રહ્યા છે અને મુખ્યમંત્રીની જૂનાગઢની મુલાકાત દરમ્યાન જૂનાગઢ શહેરનાં વિવિધ વિકાસ કામોની ખાર્તમુર્હુત વિધી કરવામાં આવનાર છે.
જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે.મેયર હિમાંશુભાઈ પંડયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોડીયા, શાસક પક્ષના દંડક ધરમણભાઈ ડાંગર, પૂનિતભાઈ શર્મા, અરવિંદભાઈ ભલાણી, ભરતભાઈ શીંગાળા સહિતના પદાધિકારીઓ ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને જૂનાગઢ માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢ શહેરની જનતાને પીવાના પાણીની સુવિધા ઝડપી અને અસરકારક મળે તે માટેની પાઈપલાઈન બીછાવવાની કામગીરી તેમજ ફીલ્ટર પ્લાન્ટ અંગેની કામગીરી માટેના ખાતમુર્હુત વિધી માટે મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવવામાં આવેલ છે. આ ઉપરાંત ભકત કવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે એડમીન બિલ્ડીંગ તેમજ નવા ડિપાર્ટમેન્ટ માટેના બાંધકામ માટેના નવીનિકરણ માટેના ખાતમુર્હુત વિધી માટે પણ મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવેલ હતી. આ બંને કાર્યક્રમના અનુસંધાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી તા.૬ ઓકટોબરના રોજ જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રીની જૂનાગઢ અને સોરઠની મુલાકાતને લઈને જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે.

Leave A Reply