Sunday, January 19

પોલીસ ઉંઘતી રહી અને જૂનાગઢમાં ભાજપના મહિલા કોર્પોરેટરે દારૂના અડ્ડા ઉપર પાડી જનતા રેડ

જૂનાગઢ સહિત ગુજરાતભરની જનતા અને દેશના વિવિધ રાજયોમાં રહેતી જનતા પણ અનેક સમસ્યાઓથી પિડીત છે. નોટબંધી, જીએસટી, ટ્રાફિકના નવા નિયમો અને મોંઘવારીના મારથી જનતા સતત પિડાઈ રહી છે. આ સાથે નાના કે મોટા અનેક શહેરોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળતી જઈ રહી હોય અને તેને કારણે લોકોની જાનમાલની સલામતી માટે પણ ગંભીર ખતરો ઉભો થયો છે. ચોરી, લૂંટ, હત્યા, મારામારી સહિતના ગુનાઓનું પ્રમાણ સતત વધી રહયું છે. ગાંધીના ગુજરાતમાં દેશી તેમજ વિદેશી દારૂ પાણીના પરબની જેમ ખુલ્લેઆમ વેંચાઈ રહ્યા છે. પ્રજાને નરી આંખે દારૂના હાટડાઓ દેખાય છે પરંતુ જેની મુખ્ય ફરજ છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની તેમજ ગેરકાનુની પ્રવૃતિ સામે કડક કાર્યવાહી કરવાની તેવા જવાબદાર પોલીસ તંત્રને આ નરી આંખે દેખાતું નથી તેવી અનેક વખત લોકફરિયાદો ઉઠવા પામેલી છે. સરકારી ગોડાઉનમાં તો રાજકીય પક્ષો દ્વારા અનેકવાર જનતા રેડ પાડી હોવાના દાખલા બન્યા છે.
પરંતુ જૂનાગઢ ખાતે ગઈકાલે નવતર બનાવ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી મહાનગરના ભાજપના મહિલા કોર્પોરેટરે જનતા રેડ કરી હતી અને સાથે મિડીયા કર્મચારી અને ૧૦૦ થી વધારે લોકો જાડાયા હતા અને દારૂની હાટડીમાં અને દારૂના અડ્ડામાં જનતા રેડ કરી અને દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી અને પોલીસના જવાબદાર અધિકારીને પોતાની કાર્યવાહીની વિગતો આપી અને હલચલ મચાવી દીધી હતી. લોકોનો રોષ કેટલી હદે ફાટી નિકળ્યો છે તે આ બનાવ ઉપરથી સાબિત થઈ રહેલ છે. લોકો હવે સત્તાધારી પક્ષ કે ખુદ ગુજરાત સરકારની પણ શરમ રાખે તેમ નથી.
જયાં પણ ગેરકાનુની પ્રવૃતિ થતી હશે ત્યાં જનતા જનાર્દન રેડ પાણી અને જવાબદાર અધિકારીઓને કાયદાના પાઠ ભણાવવાનું શિખવી શકે તેમ છે તે ગઈકાલના બનાવ ઉપરથી સાબિત થઈ રહયું છે ત્યારે આ બનાવ અંગેનો દાખલો લઈ જૂનાગઢ શહેરમાં જયાં પણ ગેરકાનુની પ્રવૃતિ થતી હોય ત્યાં પોલીસ તંત્ર દ્વારા સખ્ત પગલાં ભરવાની માંગણી પ્રજામાંથી ઉઠવા પામી છે. ગઈકાલે બનેલા જનતા રેડના બનાવની પ્રાપ્ત વિગત મુજબ જાઈએ તો જૂનાગઢ વોર્ડ નં.૧૫ના ભાજપ કોર્પોરેટર બ્રિજેશાબેન સોલંકી દ્વારા ૧૦ દિવસ પહેલા એસપીને લેખિત રજૂઆત કરાઈ હતી. જૂનાગઢ શહેરમાં અનેક સ્થળે ગેરકાયદેસર ધંધા ધમધમી રહ્યા છે તેને લઈને મહિલા કોર્પોરેટરે રજૂઆત કરી હતી પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં મહિલા કોર્પોરેટર સહિતનાં લોકોએ દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવામાં આવી હતી. દારૂના અડ્ડા ઉપર કરવામાં આવેલ જનતા રેડમાં ૪થી વધુ સ્થળેથી દેશી દારૂ સાથે બુટલેગરો ઝડપાયા હતા. જુનાગઢ પોલીસ બુટલેગરો પાસેથી દારૂ વેંચવાના રોકડા લેતી હોય તેવું બુટલેગરે જણાવ્યું હતું. ધરારનગરમાંથી પકડાયેલ બુટલેગરે જણાવ્યું હતું કે હું મહિનાના ૩૦૦૦ રૂપિયા જે તે જવાબદાર અધિકારીને આપું છું તેમ જણાવતાં ચકચાર જાગી ઉઠી છે. દરમ્યાન પકડાયેલા બન્ને શખ્સોની પોલીેસે આગવી ઢબે સરભરા કરી હતી. દરમ્યાન મહિલા કોર્પોરેટરે જૂનાગઢ જિલ્લા પોલીસ વડાનો ફોનથી સંપર્ક સાધીને જણાવ્યું હતું કે ‘અમે લોકોએ તમારૂં કામ કરી આપ્યું છે. હવે તમે આવી અને આરોપીનો કબ્જા મેળવી લો.’ તેમજ જણાવ્યું હતું. વિશેષમાં આ બનાવના અનુસંધાને પોલીસે બનાવના સ્થળે પહોંચીને આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ શહેર અને જિલ્લાઓમાં ગેરકાયદેસર ધંધા ઉપર હવે મહિલાઓ રણચંડી બનીને જનતા રેડ કરી રહી છે. જો ન્યાય નહીં મળે તો હવે લોકો રસ્તા ઉપર ઉતરી પડશે. તંત્ર અને પદાધિકારીઓએ ચેતી જવા જેવું છે. આ ટોળાઓને બ્રેક હોતી નથી, ગુજરાતમાં નવનિર્માણ જેવું આંદોલન ઉપડતાં વાર નહીં લાગે. ગુજરાતમાં અનેક જગ્યાએ જનતા રેડની ઘટના બહાર આવી છે.

Leave A Reply