માંગરોળ પંથકમાં બિહારનાં ત્રણ યુવાનો ઉપર વિજળી પડતાં, એક નું મૃત્યું : બે સારવાર હેઠળ

જૂનાગઢ અને સોરઠ પંથકમાં ભાદરવા માસ દરમ્યાન સતતને સતત મેઘ વર્ષા થઈ રહી છે. ચોમાસાની સત્તાવાર વિદાય થાય તે પહેલાં જ ફરી એકવાર છેલ્લાં દિવસોમાં વરસાદ વિવિધ વિસ્તારોમાં તુટી પડ્યો છે. ગઈકાલે રાત્રીનાં પણ જૂનાગઢ જીલ્લામાં પણ વરસાદ પડ્યાનાં અહેવાલો છે આ દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં માંગરોળ ખાતે ત્રણ યુવાનો ઉપર વીજળી પડતા એકનું મોત, બે ને ઈજા થઈ હતી. આ બનાવનાં પગલે અરેરાટીની લાગણી વ્યાપી ગઈ હતી.
આ અંગેની મળતી વિગત મુજબ બંદર વિસ્તાર નજીક જે. જે. કંપનીમાં નોકરી કરતા બિહારના વતની સહિત ત્રણ યુવાનો ઉપર વીજળી પડતાં એકનું મોત થયું હતું જયારે બે ને ઈજા થતાં મૃતક અને ઈજાગ્રસ્તોને માંગરોળ સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાં. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર બિહારનાં વતની એવાં કિશનકુમાર બાસરોવનરામ (ઉ.વ.૧૯) તેમજ સંજય કમલેશ પાસવાન અને દિપક સુભાષ રાવ નામનાં આ ત્રણેય યુવાનો ગઈકાલે કંપનીમાંથી પોતાની નોકરીની કામગીરી પૂર્ણ કરી અને ઘર તરફ જઈ રહ્યાં હતાં એ દરમ્યાન ૯.૪પનાં સમયગાળા દરમ્યાન વરસાદ સાથે વિજળી પડી હતી. જેમાં કિશનકુમાર બાસરોવનરામ (ઉ.વ.૧૯)નું મૃત્યું થયું હતું.
જયારે સંજય કમલેશ પાસવાન અને દિપક સુભાષ રાવને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતાં. આ બનાવની વધુ તપાસ મરીન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ બી.કે.વાઘ ચલાવી રહ્યાં છે. દરમ્યાન જૂનાગઢ જિલ્લામાં રાત્રે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. રાત્રે ૮થી ૧૦ દરમ્યાન જૂનાગઢના જીલ્લાના માંગરોળમાં ૩૮ મીમી વરસાદ ખાબક્યો હતો. જ્યારે જૂનાગઢ અને કેશોદમાં ધોધમાર વરસાદી ઝાપટા પડયા હતા. જૂનાગઢમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ વરસાદને લઈને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. થોડીવારમાં જાણે મોટું તોફાન આવ્યું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. દરમ્યાન જૂનાગઢ જીલ્લા ફર્લ્ડ કન્ટ્રોલમાંથી અપાયેલી માહિતી અનુસાર આજે સવારે ૬ કલાકે પુરા થતાં ર૪ કલાક દરમ્યાન કેશોદમાં ૯ મીમી, માંગરોળમાં ૩૮, વંથલીમાં ર૯ મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા એક અઠવાડીયાથી વાદળ છાયું વાતાવરણ રહેલું છે. વરસાદી માહોલ સાથે દિવસ દરમ્યાન હળવાથી ભારે વરસાદના ઝાપટા પડી રહ્યા છે. સખ્ત ઉકળાટભર્યું અને ભેજભર્યા વાતાવરણમાં જનજીવન પ્રભાવીત બન્યું છે અને તેની સાથે રોગચાળાએ માથુ ઉચકયું છે.

Leave A Reply