સોરઠમાં હવે મેઘરાજા ખમૈયા કરે તો પાકનું ચિત્ર બનશે ઉજળું

શ્રાવણ માસ, ભાદરવા માસમાં આ વર્ષે મેઘરાજાએ સટાસટી બોલાવી દેતાં જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતમાં વરસાદની મૌસમ પુરબહારમાં ખીલી ઉઠી છે. ભાદરવા માસ અંતિમ તબક્કામાં પ્રવેશી ગયો છે અને આસો માસના આગમના વધામણારૂપ નવરાત્રિ મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે આ સપ્તાહ દરમ્યાન વરસાદના હળવાથી ભારે ઝાપટાનો દોર સતત ચાલુ રહ્યો છે. આ વર્ષે વરસાદ ખુબ જ સારો થવાને કારણે ખેત ઉત્પાદન માટે ગોલ્ડન સમય જણાઈ રહ્યો છે પરંતુ જો હવે સમયસર મેઘરાજા ખમૈયા કરે તો પાકનું ચિત્ર ખુબ જ ઉજળું જણાઈ રહ્યું છે. હાલ ખેડૂતોમાં પણ ભારે વરસાદથી ચિંતાની લાગણી અનુભવી રહયા છે.
જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકામાં આજે સવારે પુરા થતા છેલ્લા ર૪ કલાક દરમ્યાન પડેલા વરસાદ અંગે ફલડ કન્ટ્રોલ રૂમ દ્વારા અપાયેલી માહિતી અનુસાર કેશોદમાં પ૧ મીમી (મૌસમનો કુલ વરસાદ ૧૦૬૦), જૂનાગઢ ૧૪ મીમી (૧૧૪૮), ભેસાણ પ૧ મીમી (૧૦રર), મેંદરડા ર૯ મીમી(૧ર૧૭), માંગરોળ ર મીમી(૮૭૧), માણાવદર ૧૧ મીમી (૯પ૯), માળીયા ૧૭ મીમી (૧૦૯ર), વંથલી ર૦ મીમી(૧૩૩૦), વિસાવદર ૧પ મીમી(૧૮૪પ) વરસાદ નોંધાયો છે. ચોમાસાની આ ઋતુ દરમ્યાન સૌથી વધારે વરસાદ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં મૌસમનો ૧૮૪પ મીમી નોંધાયો છે જયારે સૌથી ઓછો વરસાદ માંગરોળ પંથકમાં મૌસમનો ૮૭૧ મીમી નોંધાયો છે. દરમ્યાન અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર ચક્રાવાતમાં પરીણમતા અને ઓમાન તરફ ગતી કરી રહ્યું હોવા છતા, તેની અસરનાં કારણે ગુજરાત રાજયમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ ૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બર અને ૧લી ઓક્ટોબરના રોજ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસશે. જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને રાજકોટમાં પણ ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્ર સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘરાજા ધમાકેદાર રી-એન્ટ્રી કરી શકે છે. મેઘરાજા નવરાત્રિ મહોત્સવમાં વિઘન બને એવી સંભાવના છે. જો વધું વરસાદ પડશે તો લિલા દુષ્કાળની નોબત પણ આવી શકે છે તેમ નિષ્ણાંતોનું માનવું છે.

Leave A Reply