૨૭ સપ્ટેમ્બર- ‘‘વિશ્વ પર્યટન દિન’’ ૨૦૧૯નાં વર્ષની ઉજવણીનું સૂત્ર : ‘‘પ્રવાસન અને રોજગારી-સૌ માટે ઉજળી આવતીકાલ’’

દુનિયાનાં દેશો વચ્ચે સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક આદાન-પ્રદાન વધે, જેના થકી સમગ્ર વિશ્વની પ્રગતિ થાય, તેવા શુભ આશયથી સમગ્ર વિશ્વમાં પ્રતિ વર્ષ ૨૭ સપ્ટેમ્બરના દિવસે ‘‘વિશ્વ પર્યટન દિન’’ની ઉજવણી કરવામાં આવે છે.
યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવતી આ ઉજવણી અન્વયે દુનિયાનાં કોઇ પણ એક દેશને યજમાન બનાવી આ દેશમાં ૨૭ સપ્ટેમ્બરે ‘‘વિશ્વ પર્યટન દિન’’ની ઉજવણીને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે પ્રવાસનને લગતા પરિસંવાદો, ચર્ચાઓ, કાર્યશાળાઓ, નિબંધ, વક્તૃત્વ, ચિત્ર સ્પર્ધાઓ, રેલીઓ, પ્રશ્નોત્તરી વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પર્યટન થકી તંદુરસ્ત વૈશ્વિક સંબંધો અને જવાબદાર વૈશ્વિક જોડાણો માટેનો યોગ્ય મંચ મળી રહે છે. દિવસેને દિવસે પર્યટન ઉદ્યોગ હરણફાળ ભરી રહયો છે. પર્યટનના નવા-નવા આયામો વિકસી રહયા છે, જેમ કે, મેડિકલ ટુરિઝમ, ઇન્ડાસ્ટ્રીયલ ટુરિઝમ, વગેરે. પ્રવાસ કરવાથી મનુષ્યની સાહસવૃત્તિ વિકસે છે, ઉપરાંત આંતરરાષ્ટ્રીય શાંતિ, સદભાવ અને ભાઇચારામાં વધારો થાય છે. દુનિયાના લોકોનો પરસ્પરનો સંપર્ક વધે છે, જેને લીધે આંતર સાંસ્કૃતિક સંબંધો અને પારસ્પારિક સમજણ અંગેની નવી દિશા દ્રષ્ટિમાન થાય છે. દર વર્ષે ૧૦ કરોડથી વધુ લોકો પોતાના દેશની સરહદો ઓળંગી અન્ય દેશોમાં વિહાર કરે છે. આ વિહાર થકી ઔદ્યોગિક વિકાસ દર પણ નવા સીમાચિન્હો સર કરી રહયા છે. ‘‘વિશ્વ પર્યટન દિન’’ની ઉજવણીનું આ પણ એક જમા પાસું છે.
ગુજરાતમાં પર્યટનને ઉદ્યોગ તરીકે વિકસાવવા માટે ગુજરાત રાજય સરકાર દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. ગુજરાતમાં પ્રવાસનના મુખ્ય આકર્ષણમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, રણ મહોત્સવ મુખ્ય રહ્યા છે. સમગ્ર દેશમાં એક માત્ર સિંહ અભ્યારણ્ય એવું ગીર અભ્યારણ્ય અને પીરોટન ખાતે આવેલ મરીન નેશનલ પાર્ક ગુજરાતના પર્યટનની શાન છે. ગુજરાત રાજયમાં સોમનાથ, ડાકોર, અંબાજી, બેચરાજી, શામળાજી દ્વારકા, માતાના મઢ (આશાપુરા), દાતાર, તુલસીશ્યામ, અક્ષરધામ વગેરે જેવા ધાર્મિક સ્થળોએ વર્ષ પર્યંત યાત્રાળુઓનો ધસારો રહે છે, તો સાપુતારા જેવા ગિરિમથકો પણ પર્યટકોને આકર્ષવામાં સફળ રહયા છે. ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળવાથી અહીં પણ ઇતિહાસ રસિક પ્રવાસીઓની આવન-જાવન વધી છે. પર્યટનના ક્ષેત્રને ઉત્તેજન આપવા માટે ગુજરાત રાજય સરકાર દ્વારા પ્રતિવર્ષ રણોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેને દેશ-વિદેશના પર્યટકો ઉત્સોહપૂર્વક માણે છે. બીચમાં મુખ્યત્વે માંડવી, ચોરવાડ, માધવપુર, દ્વારકા, દાંડી, પોરબંદર, સોમનાથ તેમજ તિથલનો સમાવેશ થાય છે, જયારે બીજા હેરિટેજ સાઇટમાં ઇન્દ્રોડા નેચર પાર્ક, લોથલ, ધોળાવીરા અને ગાંધી સર્કિટમાં કોચરબ આશ્રમ, દાંડી, કીર્તિમંદિર, મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાજકોટ, ગાંધી આશ્રમ, કબા ગાંધીનો ડેલો, રાષ્ટ્રીય શાળા સહીત પ્રવાસન સ્થળોએ દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ અહીં મુલાકાત લે છે. વિવિધ પ્રવાસન સ્થળે રહેવા, ફરવા માટે હોટેલ તેમજ ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનું માધ્યમ રહ્યો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રે વિકાસાર્થે અનેક યોજનાઓ અમલી બનાવી છે જેના પરિણામ સ્વરૂપ વર્ષ ૨૦૧૮-૧૯માં ૫૭૫.૯૧ લાખ પ્રવાસીઓ ગુજરાતનાં પ્રવાસન સ્થળોની મુલાકાતે આવ્યા છે. જે વર્ષ ૨૦૧૭-૧૮ ની સાપેક્ષ ૧૩% વધુ છે.

Leave A Reply