જગતજનની જગદંબાનાં નવલા નોરતાનો આવતીકાલથી પ્રારંભ

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલ તા.ર૯-૧૦-ર૦૧૯ રવિવાર આસો સુદ એકમ નવરાત્રીનાં પ્રારંભ સાથે જ જગતજનની માં જગદંબાનાં નવલાં નોરતાનો પ્રારંભ થનાર છે ત્યારે આરાધનાનાં પર્વને મનાવવા ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે માતાજીનાં મંદિરોમાં આવતીકાલે વહેલી સવારથી જ ભાવિકોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટી પડશે. તો બીજી તરફ નવરાત્રીનાં આગમનને વધાવવા માટે ઠેર-ઠેર નવરાત્રી મહોત્સવની ઉજવણી અંતર્ગત રાસ-ગરબાનાં ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે અને આવતીકાલ રાત્રીનાં નિર્ધારીત સમયે માતાજીનાં મઢને પધરાવવામાં આવશે અને માતાજીની પ્રાર્થના-આરતી બાદ રાસ-ગરબાની રમઝટ બોલશે. નાની બાળાઓનાં રાસ, સ્થાનિક મંડળો દ્વારા પ્રાચિન-અર્વાચીન રાસ-ગરબાં તેમજ પાર્ટી-પ્લોટમાં પણ ભવ્ય આયોજનો કરવામાં આવ્યાં છે. ત્યારે ખેલૈયાઓમાં પણ અજબ ઉત્સાહ જોવા મળે છે અને મનભરીને યુવા હૈયું પોતાની કલા દર્શાવી અને રાસ-ગરબાની રમઝટ બોલાવશે. ઠેર-ઠેર જાણીતાં કલાકારોનાં કંઠે ગવાયેલાં માતાજીનાં ગરબાં દુહા-છંદ અને આધુનીક વાંજીત્રોનાં સથવારે નવરાત્રી મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે થશે. આયોજકો દ્વારા છેલ્લી ઘડીની તૈયારી કરી લેવામાં આવી છે. વિવિધ સમાજનાં જ્ઞાતિ મંડળો દ્વારા નવરાત્રી પર્વની ઉજવણીનું આયોજન કરાયું છે. તેમજ શેરી અને મહોલ્લાઓમાં પણ નવરાત્રી પર્વની ઉજવણી માટે અનેક આયોજનો કરાયા છે. જૂનાગઢ શહેરમાં ૧૪૦થી વધુ પ્રાચીન અને ૧૦થી વધુ અવાર્ચિન ગરબીઓ થઈ રહી છે અને આવતીકાલથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શકિત અને ભકિતમય વાતાવરણ ઉભું થયું છે.શકિતનાં આરાધનાનાં પર્વ એવા નવરાત્રીનો આવતીકાલથી શુભારંભ થઈ રહ્યો છે ત્યારે માતાજીનાં મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ લાગશે.
જગત જનની માં અંબાનાં નવલા નવરાત્રીનાં આવતીકાલે પ્રારંભ સાથે જ જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં નવરાત્રી ઉત્સવ ઉજવવા ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ જૂનાગઢ શહેરમાં આવેલા માતાજીનાં મંદિરોમાં પણ દર્શનાર્થે માતાજીનાં ભકતો અને ભાવિકો ઉમટી પડશે.જેમાં જૂનાગઢ શહેરનાં કૃષિ યુનિ. ખાતે આવેલ આઈશ્રી ખોડીયાર માતાજીનાં મંદિર તેમજ ખામધ્રોળ વિસ્તારમાં અને ઉપરકોટ ખાતે આવેલા આઈશ્રી ખોડીયાર માતાજીનાં મંદિરે પણ સવારથી જ પુજન અર્ચન સહીતનાં કાર્યક્રમો યોજાયા છે.
આ ઉપરાંત ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલ ચામુંડા માતાજીનાં મંદિર, મહાકાળી માતાજીનાં મંદિર સહીતનાં માતાજીનાં મંદિરોમાં પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જયારે ગિરનારની ટોચ ઉપર બિરાજતા જગત જનની માં અંબાનાં મંદિરે પણ વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.
આ ઉપરાંત સુપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાજીનાં મંદિરે પણ આજે ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડયા હતાં. ઉપરાંત ઉપલા વાઘેશ્વરી માતાજી મંદિર, ગાયત્રી મંદિર અને દાણાપીઠ વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી માતાજીનાં મંદિરે પણ દર્શનાર્થીઓ ઉમટી પડયા હતાં. આવતીકાલે નવરાત્રીનાં પ્રારંભ સાથે આપણે સૌ જગત જનની માં જગદંબાને સમગ્ર વિશ્વના કલ્યાણ માટેની આપણે સૌ પ્રાર્થના કરીએ. અને શ્રધ્ધા અને ભકિત સાથે નવરાત્રી પર્વની ઉજવણી સાથે માતાજીની આરાધનાનું શ્રેષ્ઠ અનુસ્થાપન કરી વિશ્વ કલ્યાણની કામના સાથે પર્વનો પ્રારંભ થશે.

Leave A Reply