સોરઠભરમાં સતત મેઘવર્ષાથી ધરા તરબોળ ર ઓકટોબરથી વરસાદનું જાર ધીમું પડવાની સંભાવના

સોરઠમાં સતત મેઘવર્ષાથી ધરતી તરબોળ બની ગઈ છે. ભાદરવો માસ પણ વરસાદથી ભરપુર રહેવા પામ્યો છે અને આસો માસમાં પણ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હોય અને દિવાળી સુધી વરસાદ રહેવાની સંભાવનાથી અતિવૃષ્ટી જેવી સ્થિતિ સર્જાવાની દહેશત સેવાઈ રહી છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લાના કેશોદ, મેંદરડા, માંગરોળ, માળીયા અને જૂનાગઢમાં પણ ગઈકાલે ઝરમર ઝરમર વરસાદ વરસ્તો રહ્યો હતો અને રાત્રી બાદ શનિવારે પણ સવારથી જ આકાશમાં વાદળો છવાઈ ગયા હતાં અને વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથ જીલ્લામાં પણ જોરદાર વરસાદ પડયો છે અને પ્રતિનીધીના અહેવાલ મુજબ ઉના શહેરમાં છેલ્લા ૧ર કલાકમાં ૩.પ ઈંચ જેવો વરસાદ વરસ્યો હતો. નવાબંદર, સુત્રાપાડા, પ્રાંચી, સીમર, સૈયદ રાજપરાના દરિયામાં કરંટ બની સાથે ભારે મોજા ઉછળતા જોવા મળ્યા હતા અને માછીમારોને ફીશીંગથી દૂર રહેવા ચેતવણી અપાયેલ છે. ઉપરાંત વડાળા ગામની શાહી નદીમાં ફરી વખત પુર આવ્યું હતું. બેથી ત્રણ સિસ્ટમ્સ સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપર સક્રિય છે. જેની અસરથી મેઘો ફરી મંડાયો છે. હજુ આગામી ત્રણથી ચાર દિવસ કોઇક વિસ્તારમાં ભારે વરસાદ ખાબકશે. હળવાથી મધ્યમ અને કોઇક જગ્યાએ ભારે વરસાદ પડશે અને તા.૨ ઓકટોબરથી વરસાદ વિરામ લેશે.

Leave A Reply