સોરઠમાં ૧પ૦ ટકાથી વધુ વરસાદ : લીલા દુકાળની ભીતિ

સોરઠમાં સીઝનનો ૧પ૦ ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે અને હજુ પણ આકાશમાં ઘનઘોર વાદળો છવાયેલો હોય અને દિવાળી સુધી વરસાદની સંભાવના હોવાથી લીલા દુકાળની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા ર૪ કલાકમાં વધુ બે થી પાંચ ઈંચ પાણી વરસ્યું છે અને મોટાભાગનાં જળાશયો છલોછલ થયા છે. ફલડ કન્ટ્રોલમાંથી પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા ર૪ કલાકનાં આંકડા મુજબ કેશોદમાં ૧૧૯, જૂનાગઢ ૧૦પ, ભેસાણ ૧૧૦, મેંદરડા પ૭, માંગરોળ પ૭, માણાવદર ૧૦૮, માળીયા ૭૧, વંથલી ૭૬ અને વિસાવદર ૬૬ મી.મી. વરસાદ નોંધાયો છે.
જયારે જળાશયોની સ્થિતિ જાતા મધુવંતી, આંબાજળ, ઝાંઝેશ્રી, ધ્રાફડ, મોટા ગુજરીયા, વ્રજમી, બાંટવા ખારો, ઓઝત-૧, ઓઝત-ર, હસ્નાપુર, આણંદપુર, ઉબેણ કેરાળા, હિરણ-૧, હિરણ-ર, શીંગોળા, મચ્છુંદ્રી અને રાવલ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયા છે જયારે પ્રેમપરા પર.૯પ, ઉબેણ ૬૦.૧પ, ગળથ ૬પ.૮૭, સાબલી ૯ર.ર૬, ઓઝત-શાપુર ૮ર.પ૬ ટકા પાણીનો જથ્થો હોવાનું સિંચાઈ વિભાગે જણાવ્યું છે.
માણાવદરનાં પ્રતિનિધિનાં જણાવ્યા મુજબ તાલુકાનાં બુરી, જીલાણા, સરદારગઢ અને જાંબુડીમાં ૮ ઈંચ વરસાદ ખાબકયો હતો. જયારે બાંટવા ખારા ડેમનાં ૯ દરવાજા ત્રણ ફુટ ખોલવામાં આવ્યા છે. એકધારા વરસાદથી ખેતરો પાણીથી તરબોળ થયા છે. આ ઉપરાંત ગીર સોમનાથ જીલ્લામાં પણ વ્યાપક વરસાદથી ચોમાસું પાકને ભારે નુકશાન થયાનું જાણવા મળેલ છે અને સર્વે કરી સરકાર દ્વારા ખેડૂતોને રવિ પાકમાં રાહત વળતર ચુકવવામાં આવે તેવી રજુઆત કરાઈ છે. જયારે લોઢવાનાં પ્રતિનિધિનાં જણાવ્યા મુજબ છેલ્લા ર૪ કલાકમાં ૪ ઈંચથી વધુ પાણી વરસી ગયું હોય ખેતીનાં પાક માટે નુકશાનકારક હોવાનું ખેડૂતો જણાવી રહયા છે.

Leave A Reply