નવરાત્રીના પ્રારંભે ગઈકાલે પ્રથમ નોરતે વરસાદનાં વિઘ્ન વચ્ચે અનેક સ્થળોએ માત્ર આરતી સહિતના કાર્યક્રમો યોજાયા

જૂનાગઢ સહિત રાજ્યભરમાં ગઈકાલથી નવલા માંના નોરતાનો પ્રારંભ થયો છે અને આ સાથે જ નવરાત્રી મહોત્સવની ઉજવણી પણ શરૂ થઈ ચુકી છે. પરંતુ વરસાદની સતત આવન-જાવનના પગલે ગઈકાલે પ્રથમ દિવસે વિવિધ શહેરોમાં ગરબા મહોત્સવના કાર્યક્રમોને બ્રેક લાગી હતી અને ઘણા સ્થળોએ ફકત માતાજીની આરતી ઉતારી અને પૂજન કર્યા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો. આ સાથે પાર્ટી પ્લોટના આયોજકો અને ખેલૈયામાં પણ નિરાશા વ્યાપી ગઈ હતી.
જૂનાગઢ શહેરમાં અંદાજીત ૧પ૦ જેટલી પ્રાચીન અને ૧૦ જેટલી અર્વાચીન જગ્યાએ પાર્ટી પ્લોટના આયોજનો થયા છે. નવરાત્રીના એક અઠવાડીયા પહેલા સતત મેઘરાજાની આવન-જાવન રહેતી હતી અને છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ તૂટી પડવાના કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા તેમજ ગરબીના ચોકોમાં પણ પાણી ભરાયા છે. આ ઉપરાંત પાર્ટી પ્લોટના જે સ્થળોએ આયોજનો છે ત્યાં મેદાનોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં ગઈકાલે પ્રથમ દિવસે ગરબા યોજાઈ તેવી કોઈ શકયતા ન રહી હતી જેના કારણે આયોજકો પણ ચિંતામાં અને ખેલૈયાઓમાં નિરાશા છવાઈ હતી. આજે નવરાત્રીના બીજા દિવસે પણ સવારથી વરસાદ સતત વરસી રહ્યો છે જા કે બપોરના સમયે આ લખાય છે ત્યારે મેઘરાજાએ ખમૈયા કર્યા હોય તેવું વાતાવરણ સર્જાયું છે. જો કે હજુ પણ વરસાદની આગાહી યથાવત છે. આજે શહેરી ગરબીઓ થવાની શકયતાઓ રહેલી છે. જ્યારે પાર્ટી પ્લોટમાં વ્યવસ્થા ગોઠવાય જાય તો આજે દાંડીયા રાસના કાર્યક્રમો યોજાશે નહીંતર આ વર્ષે મેઘરાજાની સતત વર્ષાના પરીણામે આવતીકાલથી ખેલૈયાઓ માટે સાચા અર્થમાં નવરાત્રી શરૂ થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે.

Leave A Reply