એસટી બસમાં હાર્ટએટેકનો ભોગ બનેલ દર્દીની જૂનાગઢ પોલીસે સમયસર સારવાર કરાવી જીવ બચાવ્યો

જૂનાગઢ રેન્જના આઈજીપી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ. જે દરમ્યાન જૂનાગઢ શહેરના મજેવડી ચોકી ખાતે ફરજ બજાવતાં પીએસઆઇ એન.જી.પરમાર પોતાની ચોકી ખાતે હાજર હતા ત્યારે જૂનાગઢ ઉપલેટા એસટી ડ્રાઇવરે આવીને જાણ કરેલ કે, પોતાની એસટી બસમાં એક વ્યક્તિને હાર્ટ એટેક આવેલ છે, જેથી પીએસઆઇ પરમાર તથા સ્ટાફના નિપુણભાઈ દ્વારા તાત્કાલિક ૧૦૮ને ફોન કરીને બોલાવી, હાર્ટ એટેક આવેલ વ્યક્તિને તાત્કાલિક સારવાર કરાવવા માટે જાતે સાથે જઈને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. આ પેસેન્જર વ્યક્તિનું નામ મનસુખભાઇ અરજણભાઈ પરમાર હોવાનું અને જૂનાગઢ ખાતે ધરાર નગર ખાતે રહેતા હોવાનું જણાવતાં તેના સગાસંબંધીને બોલાવી, કાર્યવાહી કરવામાં આવેલ હતી. જૂનાગઢ શહેરના ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના મજેવડી ચોકી ખાતે ફરજ બજાવતાં પીએસઆઇ એન.જી.પરમાર તથા સ્ટાફના પો.કો. નિપુણભાઈ દ્વારા માનવતા દાખવી, અજાણ્યા પેસેન્જર વ્યક્તિને તાત્કાલિક સારવાર આપવા માટે તાત્કાલિક કાર્યવાહી કરતા, સારવાર મળી જતાં મનસુખભાઇ પરમાર અને તેના કુટુંબીજનો ભાવવિભોર થઈ ગયા હતા અને તમામે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ‘બી’ ડિવિઝન પીઆઇ આર.બી.સોલંકી દ્વારા પોલીસની માનવતા વાદી કાર્યવાહીની પ્રસંશા કરી, પીએસઆઇ પરમાર અને સ્ટાફને અભિનંદન પાઠવેલ હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસ દ્વારા એસ.ટી.બસમાં એટેક આવેલ વ્યક્તિને જાતે હોસ્પિટલ પહોંચાડી, સમયસર સારવાર કરાવી, જીવ બચાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, ‘પોલીસ પ્રજાની મિત્ર છે’ એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.

Leave A Reply