જૂનાગઢમાં ઈ-સ્ટેમ્પીંગ સેન્ટરો ઉપર સ્ટેમ્પ પેપર મેળવવા માટે લાંબી કતારો લાગી

સરકાર દ્વારા નવા પરીપત્ર અનુસાર ઈ-સ્ટેમ્પીંગ કામગીરીનો પ્રારંભ તા.૧ ઓકટોબરથી કરવાની જાહેરાત અગાઉ થઈ ચુકી છે અને સ્ટેમ્પીંગની પ્રક્રિયા હવેથી ઓનલાઈન ઉપર જ થશે. જ્યારે જૂનાગઢ સહિત રાજ્યભરમાં અનેક શહેરોમાં સ્ટેમ્પ વેન્ડરના વ્યવસાય સાથે જોડાયેલા અનેક લોકો માટે રોજગારીની સમસ્યા ઉભી થવાની છે અને એક તકે તો સરકારના ઈ-સ્ટેમ્પીંગનો જોરદાર વિરોધ પણ થયો હતો. આવેદનપત્ર પણ આપવામાં આવ્યા હતા. સરકારે થોડી છુટ અને મુદતમાં વધારો કર્યો છે. દરમ્યાન જૂનાગઢમાં કુલ-૩૦ જેટલા સ્ટેમ્પ વેન્ડરો આ વ્યવસાય સાથે જોડાયેલ છે અને દરરોજના ૮૦૦થી ૧૦૦૦ જેટલા સોગંદનામાઓ કરવામાં આવતા હતા. દરમ્યાન ઈ-સ્ટેમ્પીંગ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે અને જેના ભાગરૂપે ગઈકાલે વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ શહેરના સ્ટેમ્પ વેન્ડરોના ચોપડાઓ જમા લેવામાં આવેલ છે તો બીજી તરફ જૂનાગઢ શહેરમાં કુલ-પ જગ્યાએ ઈ-સ્ટેમ્પીંગ સેન્ટરો કાર્યરત છે જેમાં આજે સરદારબાગ ખાતે આવેલા મામલતદાર કચેરી નજીકના
ઈ-સ્ટેમ્પીંગ સેન્ટર ઉપર સ્ટેમ્પ પેપર મેળવવા માટે અરજદારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. પીયુસી મેળવવા માટેની શરૂઆતમાં જે લાઈનો હતી તેના કરતાં પણ વધારે લાંબી કતારો અરજદારોની જોવા મળે છે. આમ ઈ-સ્ટેમ્પીંગ પ્રક્રિયાના પ્રારંભે સ્ટેમ્પ પેપર ખરીદવા માંગતા અરજદારોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

Leave A Reply