Sunday, February 23

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિની જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ઉજવણી, વિવિધ કાર્યક્રમો યોજાયા


રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ બીજી ઓકટોબરનાં રોજ ૧પ૦મી જન્મજયંતિ નિમિત્તે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. આજે રાષ્ટ્રપિતાની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાનાં કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતાં. જૂનાગઢ શહેરમાં આજે ગાંધી જયંતિ નિમિત્તે સવારનાં ગાંધીચોક ખાતે આવેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવામાં આવી હતી. આ તકે મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, કમિશ્નર તુષાર સુમેરા તેમજ પદાધિકારીઓ, અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થીત રહ્યાં હતાં. જીલ્લા કલેકટર સૌરભ પારઘી અને અગ્રણીઓની ઉપસ્થીતીમાં જુદાં-જુદાં કાર્યક્રમો અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી અને સ્વચ્છતા માટેનાં શપથ પણ લેવડાવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત જાણીતી સેવાભાવી સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પણ આજે સવારે ૧૦ કલાકે પુજય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અને ત્યારબાદ સ્વચ્છતા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ૧૦૦ થી વધારે સિનીયર સીટીઝનોની ઉપસ્થીતીમાં સોનાપુરી સ્મશાન ખાતે સ્વચ્છતાનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. ભારતને મહામુલી આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિ પ્રસંગે સ્વચ્છતા સહિતનાં અનેકવિધ કાર્યક્રમો ઠેર-ઠેર યોજવામાં આવ્યા હતાં.

Leave A Reply