Monday, December 16

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની આવતીકાલે બેઠક : મહત્વના નિર્ણયો લેવાશે

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની આવતીકાલે તા.૪ ઓકટોબરના રોજ બપોરના ૧ર વાગ્યે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સભાખંડમાં બેઠક મળનાર છે જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે. જાણવા મળતી વિગત મુજબ બેઠકમાં આઠ મુદ્દા ઉપર ચર્ચા થશે જેમાં વિલીંગ્ડન ડેમમાંથી કાપ કાઢવા માટેનો નિર્ણય લેવાશે અને આ માટે મનપા તંત્ર વન વિભાગની મંજુરી મેળવશે. અંદાજીત રૂ.બે કરોડનો ખર્ચ થવાનો હોય આ માટે ગુજરાત મ્યુની. ફાઈનાન્સ બોર્ડ અને ગુજરાત અર્બન ડેવલોપન મીશન ગાંધીનગર પાસે નાણાં માટે દરખાસ્ત કરાઈ છે. આ ઉપરાંત ભવનાથ વિસ્તારમાં પાણીની પાઈપલાઈનના ડીસ્ટ્રીબ્યુશન તેમજ વોટર સપ્લાય ઝોન-૩માં પાણીની પાઈપલાઈનના ડીસ્ટ્રીબ્યુશન વર્ક માટે અંદાજે રૂ.રપ કરોડથી વધુનો ખર્ચ કરવાનો હોય તે માટે પણ રાજય સરકારમાં દરખાસ્ત કરાઈ છે. આ ઉપરાંત મહાનગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા સ્થળો અને વિસ્તારોમાં જુના વૃક્ષો ભયજનક સ્થિતિમાં ફેરવાયા હોય તેનું કટીંગ કરી સોનાપુરી સ્મશાન ખાતે પહોંચાડવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે અંગેનો નિર્ણય પણ આ બેઠકમાં લેવામાં આવશે આ ઉપરાંત જૂનાગઢ શહેરના મોટા ભાગના રસ્તાઓ વરસાદના કારણે સાવ ધોવાઈ ગયા હોય તેના રીપેરીંગ માટે નિર્ણય લેવાય છે કે કેમ ? તે પણ જોવાનું રહ્યું. દિવાળી પહેલા રસ્તાઓનું સમારકામ થાય તેવી શહેરીજનોમાંથી લાગણી સાથેની માંગણી પ્રવતી રહી છે.

Leave A Reply