જૂનાગઢમાં નવરાત્રિ મહોત્સવનો જામ્યો રંગ : રાસ-ગરબાનાં તાલે ઝુમતા ખેલૈયાઓ

જૂનાગઢમાં નવરાત્રી મહોત્સવની ભાવભેર અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરમાં અંદાજીત ૧૦૦ વર્ષ પહેલા થતી ગરબીઓ આજે પણ નવા રૂપરંગ સાથે એ જ પ્રમાણે પ્રાચીન ઢબે રાસ-ગરબાનાં કાર્યક્રમો બાળાઓનાં યોજાય છે અને સમગ્ર શહેરમાં સારૂ એવું આકર્ષણ જગાવે છે. જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં પ્રાચીન ગરબીઓમાં લેવાતા રાસ-ગરબાનાં કાર્યક્રમો આજે પણ લોકો રસપૂર્વક નિહાળે છે. અને બાળાઓની કલાને નિહાળી અને પ્રભાવિત થાય છે. તા. ર૯ ઓકટો.થી નવરાત્રીનો પ્રારંભ થયો હતો અને પ્રથમ ત્રણ દિવસ વરસાદની મોસમ વચ્ચે માતાજીનાં ગરબા ગવાયા હતાં. અને સાચા અર્થમાં નવરાત્રી ખેલૈયાઓ માટે જ ચોથા નોરતેથી જ ઉમંગભેર ઉજવવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં વિવિધ જ્ઞાતિ, સમાજ દ્વારા પણ પાર્ટી પ્લોટ તેમજ વાડીઓમાં પણ નવરાત્રી પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને જ્ઞાતી રાસોત્સવે સારૂ આકર્ષણ જગાવ્યું છે. જગતજનની માં જગદંબા અને શકિતની આરાધના સમા આ નવરાત્રીની ભારે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. આજે ૬ઠ્ઠા નોરતે પણ રાત્રીનાં જુદા જુદા ગરબાનાં કાર્યક્રમો વિવિધ સ્થળોએ યોજવામાં આવી રહયા છે. નવરાત્રીનું પર્વ હોય એટલે સમીસાંજથી જ એક ભકિતભર્યુ વાતાવરણ ઉભુ થતું હોય છે. ગરબી મંડળનાં ચોકમાં માતાજીનાં રાસ-ગરબા અને દુહાની રમઝટ બોલતી હોય છે અને જેનાં નાદો સર્વત્ર ગુંજી ઉઠતા હોય છે ત્યારે માતાજીનાં મંદિરોમાં સવાર-સાંજ આરતીમાં અનેક લોકો ભાવિકો ઉમટી પડે છે. આ ઉપરાંત શેરીઓ ગલીઓમાં નાની ગરબીમાં બાળાઓ ‘ગરબડીયો ગોરાવો ગરબે જારીયા મેલાવો રે’ જેવા ગરબા ગવરાવતી હોય છે. અને ઘરે ઘરે ફરતી હોય છે. આમ ધાર્મિક અને શકિતની પૂજાનાં દ્રશ્યો ઠેર ઠેર જોવા મળે છે.

Leave A Reply