જૂનાગઢ કૃષિ યુનિ.માં આર્ટિફિશયલ ઈન્ટેલીજન્સ લેબનું ઉદઘાટન કરતા કૃષિ મંત્રી આર.સી.ફળદુ

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી દ્વારા સ્પોન્સર નેશનલ એગ્રીકલ્ચર હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ અને ઇન્સ્ટિટ્યૂશનલ ડેવલપમેન્ટ પ્લાન હેઠળ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે આધુનિક શિક્ષણ મળી રહે એ માટે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ એડવાન્સ લેબોરેટરીનું ઉદ્ઘાટન આજ રોજ ગુજરાત રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુના હસ્તે યોજાયું હતુ. આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વડે વિધાર્થીઓની વિદ્યા શક્તિ માં પૂરક ઉમેરો થશે. તેમણે આધુનિક સાધનો, રિમોટ સેન્સિંગ ટેકનોલોજીથી સજ્જ આ લેબોરેટરી વિદ્યાર્થીઓને તેના ઉચ્ચ શિક્ષણ માટે મદદરૂપ બનશે એમ જણાવ્યું હતુ.મંત્રીશ્રી એ આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૫ થી શરૂ કરવામાં આવેલ કૃષિ મહોત્સવનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે કૃષિ મહોત્સવ દ્વારા કૃષિ ક્ષેત્રે અનેક પરિવર્તન આવ્યા છે. કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકો એ ગામડે-ગામડે પહોંચી ખેડૂતોને પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતી માટે માર્ગદર્શન પુરૂ પાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.જેના પરિણામે ખેતી ક્ષેત્રે આમૂલ પરિવર્તનો આવ્યા છે.
મંત્રીશ્રી એ વધુમાં જણાવાયું હતું કે, કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત ખેતીક્ષેત્રે ભારતને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડશે. મંત્રીશ્રીએ ખેતી ક્ષેત્રે રોજગારી વિશે જણાવ્યું કે ખેતીનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ છે.યુવાનો પણ આધુનિક ખેતીને અપનાવે તે ખૂબ જરૂરી છે. મંત્રીશ્રી આ તકે કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી એ. આર.પાઠકની કૃષિ યુનિવર્સિટી ક્ષેત્રે કરવામાં આવેલ પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
કાર્યક્રમના અધ્યક્ષ અને કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી એ. આર. પાઠકે જણાવ્યું હતું, ખેડૂતોનો ખેતીનો ખર્ચ ઓછો કરવા, શહેરીકરણ વધી રહ્યું છે, બધા ઉદ્યોગો તરફ વળી રહ્યા છે ત્યારે આર્ટિફિશયલ ઈન્ટેલીજન્સ દ્વારા ખેતી કરવી ઉપયોગી નીવડશે.વિદેશમાં આર્ટિફિશયલ ઈન્ટેલીજન્સ દ્વારા ખેતી થઈ રહી છે અને તે ખૂબ જ સફળ રહી છે.
સ્વાગત પ્રવચન ડો. કે ગોટીયાએ કર્યું હતું. જ્યારે આભાર વિધિ પી.એમ. ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. આ તકે કૃષિ યુનિવર્સિટીના સરદાર સ્મૃતિ કેન્દ્ર દ્વારા પ્રગતિશીલ બે ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરના ભીખાભાઈ કાનાણીને દાડમની વૈજ્ઞાનિક ખેતી માટે , અને જૂનાગઢના માળીયાહાટીના ગટુરભાઈ ભાવસિંગ બારડને નાળિયેરની વૈજ્ઞાનિક ખેતી માટે મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે કૃષિ યુનિવર્સિટીના આઈડીપી ટ્રેનિંગમાં વિદેશ ગયેલા વિદ્યાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાલ અને મોમેન્ટો વડે સ્વાગત કરવામાં આવ્યું હતું.

Leave A Reply