દર અઠવાડીયે ગિરનાર રોપ-વે કામગીરીની સમીક્ષા કરશે મંત્રી જવાહર ચાવડા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢ જિલ્લાના તેમના પ્રવાસ દરમ્યાન ગઈકાલે ગિરનાર રોપ-વે કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યા બાદ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે ઉષા બ્રેકો દ્વારા આ કામગીરી ઝડપભેર હાથ ધરાઇ રહી છે. આગામી ૩ થી ૫ મહિનામાં કામગીરી પૂર્ણ થતાં યાત્રિકો ગિરનાર તળેટીથી રોપ-વે મારફતે સીધા જ ત્રીજી ટૂંક અંબાજી પહોંચી શકશે. વિજયભાઈ રૂપાણીએ ઉપરકોટ ડેવલપમેન્ટ કામો સાથે નરસિંહ મહેતા સરોવર બ્યુટીફિકેશન કામ હાથ ધરાઇ રહ્યા છે તેમ પણ ઉમેર્યું હતું.
આ યાત્રાધામ સહિત સાસણ ગીર સિંહ દર્શન અને ભગવાન સોમનાથદાદાના દર્શનની એક આખી ટુરિઝમ સર્કિટ ડેવલપ થવાથી ગિરનાર અને જૂનાગઢની મુલાકાતે દેશ વિદેશના વધુને વધુ પ્રવાસીઓ આવતા થશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ વિશ્વાસ દર્શાવ્યો કે આના પરિણામે જૂનાગઢમાં સ્થાનિક રોજગારીની તકો વધશે અને આ મહાનગરની ઇકોનોમીને નવો વેગ મળશે, વિજયભાઈ રૂપાણી સાથે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા અને જૂનાગઢ મહાનગરના મેયર ધિરૂભાઇ ગોહેલ તથા અગ્રણીઓ પણ જોડાયા હતાં.

Leave A Reply