Saturday, October 19

આજે દશેરા : વિજયાદશમી પર્વની ઉમંગભેર ઉજવણી : શસ્ત્રપૂજન સહિતનાં કાર્યક્રમો યોજાયા

ભગવાન શ્રીરામચંદ્રજીએ ૧૪ વર્ષનાં વનવાસ દરમ્યાન દશેરા – વિજયાદશમીનાં પર્વનાં દિવસે આસુરી શકિતનો નાશ કર્યો હતો રામ અને રાવણનાં યુધ્ધમાં દશેરાનાં દિવસે ભગવાન શ્રીરામે વિજય પ્રાપ્ત કર્યો હતો અને તે દિવસથી વિજયાદશમી દશેરા પર્વની ભાવભેર અને ઉત્સાહપૂર્વક ઉજવણી થાય છે. શકિતની આરાધનાનાં પર્વ એવા નવરાત્રીની ઉજવણી બાદ ૧૦માં દિવસે વિજયાદશમી પર્વ ઉજવવામાં આવે છે આજે આસો સુદ-૧૦ને વિજયાદશમીનું પર્વ હોય જૂનાગઢ સહિત સમગ્ર દેશમાં વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરમાં વિજયાદશમી નિમિતે સમસ્ત ક્ષત્રીય રાજપુત સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ સરદાર બાગ ખાતે ઝાંસીની રાણીની પ્રતિમા પાસે મા દુર્ગાની પ્રતિમાને પ્રણામ કરી પરંપરાગત કેસરીયા સાફામાં સજજ થઈને બાઈક રેલી યોજવામાં આવી હતી. ક્ષત્રીય રાજપુત સમાજ જેમાં કારડીયા સમાજ, કાઠી સમાજ, હાટી સમાજ, પુરબીયા સમાજ, ભાટી સમાજ, ખાંટ સમાજ, સોરઠીયા સમાજ, નાડોદા સમાજનાં સંયુકત ઉપક્રમે આ સર્વે સમાજનાં આગેવાનો, યુવાનો પરંપરાગત સાફામાં સજજ થઈને બાઈક રેલી સ્વરૂપ શહેરનાં રાજમાર્ગ ઉપર નીકળ્યા હતા આ રેલી વિવિધ વિસ્તારોમાં થઈ ભૂતનાથ મહાદેવનાં પટાંગણમાં પહોંચી હતી અને ત્યાં શ્રીગૌડ બ્રહ્મસમાજ આયોજીત નવરાત્રી રાસોત્સવનાં સ્થળે ભૂદેવો દ્વારા વિધિવત શસ્ત્રપુજન કરવામાં આવ્યું હતું. અગ્રણી સંતો, સમગ્ર રાજપુત સમાજનાં અગ્રણીઓ, આગેવાનો ઉપસ્થિત રહયા હતા. રામભાઈ વાળા અને યોગેન્દ્રસિંહ પઢીયાર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવાઈ હતી.
અખંડ ભારત સંઘ દ્વારા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ
અખંડ ભારત સંઘ દ્વારા આજે વિજયાદશમીનાં પર્વ પ્રસંગે સંસ્થાનાં અધ્યક્ષ ભાવેશભાઈ વેકરીયાનાં માર્ગદર્શન હેઠળ આજે રૂપાયતન રોડ ભવનાથ વિસ્તારમાં આવેલ કેવલ બાગ, લાલઢોરી ભવનાથ ખાતે સાંજના ૪.૩૦ કલાકે શસ્ત્રપૂજન, શાસ્ત્ર પૂજન, ઓજાર પૂજન અને કલમ પૂજનનાં કાર્યક્રમો યોજવામાં આવશે. પૂજન વિધિ બાદ સોમનાથ મહાદેવની સાક્ષીએ રાષ્ટ્રધર્મ અને ઈશ્વરની સેવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે.
રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ જૂનાગઢ દ્વારા વિજયાદશમી ઉત્સવની ઉજવણી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવની ઉજવણી અંતર્ગત આજે સુભાષ ટેકનીકલ કોલેજ ખામધ્રોળ રોડ ઉપર સાંજે ૬.૧પ કલાકે વિજયાદશમી ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં ૪.૩૦ કલાકે નંદનવન રોડ, હર્ષદનગર સહિતનાં વિસ્તારોમાં પથસંચાલન થશે જેમાં અતિથિ વિશેષ દ્વારા શસ્ત્રપૂજન, ધ્વજારોહણ, પ્રાર્થના સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવશે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નિવૃત અધિક કલેકટર જે. કે. ઠેસીયા રહેશે જયારે કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે સૌરાષ્ટ્ર પ્રાંતનાં સંઘ સંચાલક મુકેશભાઈ મલકાન રહેશે. વિજયાદશમી પર્વ એ વિજયોત્સવ છે અને તેને મનાવવામાં આવી રહેલ છે. ઈ.સ. ૧૯રપમાં વિજયાદશમીનાં દિવસે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી અને સંગઠન મંત્રનો શંખનાદ કરવામાં આવેલ સમાજને સંગઠીત કરવાનો મુખ્ય હેતુ રહેલો હતો. ભારત માતાને પરમ વૈભવી સ્થાને પુર્નઃ સ્થાપીત કરવાનાં ઉદેશ સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આ જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તેમ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ નગર સંઘ સંચાલક રાજેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવેલ છે.

Leave A Reply