રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમીની ઉજવણી કરાઈ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમીની ઉજવણી અંતર્ગત સુભાષ ટેકનિકલ કોલેજથી સાંજે ૫ વાગ્યે ભવ્ય પથ સંચલન આદિત્ય નગર, તિરૂપતિ સોસાયટી સહિત ૪ કિલોમીટરનાં વિસ્તારમાં ભારતમાતાના જય ઘોષ સાથે નિકળેલ હતું. ત્યારબાદ સુભાષ કોલેજ ખાતે નિવૃત્ત અધિક કલેકટર જે.કે. ઠેસિયા, વિભાગ સંઘચાલક સામજીભાઈ દુધાત્રા, મુખ્ય વક્તા મુકેશભાઈ મલકાન- સંઘ ચાલક,સૌરાષ્ટ્ર પ્રાંતની ઉપસ્થિતિમાં શસ્ત્રપૂજન બાદ જાહેર પ્રાત્યક્ષીતમાં યોગ, દંડ, ઘોષ, રમત ગમત વગેરે પ્રદર્શિત કરવામાં આવેલ હતા. ડાક્ટર હેડગેવાર દ્વારા ૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વિજયાદશમીના દિવસે કરવામાં આવેલ, ત્યારથી સમાજને સંગઠિત કરી ભારતમાતાને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે સંઘ હંમેશ અગ્રેસર રહ્યો છે. આ તકે મુખ્ય વક્તા મુકેશભાઇએ જણાવ્યું હતું કે, હાલ પણ રાષ્ટ્રને આંતરિક અને બાહ્ય અનેક અસુરો બરબાદ કરવા મથી રહ્યા છે ત્યારે હિન્દુ સમાજે જાગૃત બની એકરૂપતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડવું જોઈએ, જમ્મુ કાશ્મીરમાં ૩૭૦ કલમ દૂર કરી એક અસુરને હણ્યો છે. હિન્દુ સમાજ જ્ઞાતિવાદથી ઉપર ઉઠી વંચિત, શોષિત સમાજને સાથે લઈ આગળ નહીં વધે ત્યાં સુધી ભારતમાતાને પરમ વૈભવના શિખરે લઈ જવાના પ્રયાસો અધૂરા રહેશે. સામાજિક એકરૂપતા એ પરંપરાનો અભિન્ન હિસ્સો છે. દિવ્ય શક્તિના વિજયોત્સવ પ્રસંગમાં જૂનાગઢના દરેક જ્ઞાતિના અગ્રણીઓ, રાષ્ટ્રપ્રેમી જનતા બહોળી સંખ્યામાં જોડાઈ ભાગ લીધો હતો તેમ નગર સંઘચાલક રાજેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયુ છે.

Leave A Reply