Saturday, October 19

મેઘો ભરપુર વરસ્યા બાદ હવે સતાવાર રીતે મેઘરાજાની એકઝીટની ગણાતી ઘડીઓ

ચાલુ સીઝનમાં શ્રાવણ-ભાદરવો અને આસો માસના મધ્યાંતર સુધી સતત મેઘવર્ષા રહી હતી અને ગુજરાતના મોટાભાગના ડેમ, તળાવો પાણીની ભરપુર છલકાઈ ગયા છે અને હવે ચોમાસાની એકઝીટની ઘડીઓ ગણાઈ રહી છે. આગામી બે થી ત્રણ દિવસમાં ચોમાસું વિધીવત રીતે વિદાય લેશે તેવા નિર્દેશો મળી રહ્યા છે.
સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં વરસાદ જારી છે. અમરેલી, ગીરપંથક, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડયા છે. કેટલીક જગ્યાએ બે ઇંચ સુધીનો વરસાદ પણ થયો છે. હવે આગામી બે થી ત્રણ દિવસમાં ગુજરાત રાજ્યમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે એમ હવામાન વિભાગ દ્વારા બહુ મહત્વની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે હવે ખેડૂતો સહિત પ્રજાજનોમાં પણ રાહતની લાગણી પ્રસરી છે. જો કે હજુ દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં વિદાય લેતા પહેલાં મેઘરાજા છેલ્લી બેટીંગ કરતા જાય તેવી શકયતા છે. ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં ૧૪૨ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં તમામ ૩૩ જિલ્લાઓમાં સરેરાશ ૧૦૦ ટકા વરસાદ તેમજ રાજ્યના તમામ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગત વર્ષ-૨૦૧૮માં આ સમયે ગુજરાતમાં ૭૬.૭૩ ટકા વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ આ વખતે સમગ્ર ગુજરાત રાજયમાં વધુ પડતો અને પાછોતરો નોંધનીય વરસાદ પડયો હતો. જેના કારણે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં લીલા દુકાળનો ઓછાયો પણ વર્તાયો હતો. તો ખેડૂતોને કપાસ, મગફળી સહિતના પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. હાલમાં પણ અમદાવાદ, દાહોદ સંજેલી, ઝાલોદ, લીમડી, વરો, સોપાઇ સહિતના વિસ્તારોમાં ભારે પવન, વાવાઝોડા સાથે તોફાની વરસાદ નોંધાયો હતો. દરમ્યાન હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, આગામી બે થી ત્રણ દિવસમાં ગુજરાત રાજ્યમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે. જો કે દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં હજુ છુટાછવાયા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજયના ખેડૂતોને જાણે હાશકારો થયો છે, પ્રજાજનોમાં પણ રાહતની લાગણી પ્રસરી છે. ગુજરાતના જુદા જુદા ભાગોમાં કેટલીક જગ્યાઓ હળવા વરસાદી ઝાપટા પડયા છે જેમાં દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોનો સમાવેશ થાય છે. બીજી બાજુ અમદાવાદ, દાહોદ પંચમહાલ, વલસાડ, નવસારી, દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ હજુ દિવાળી સુધિ છુટોછવાયો વરસાદ પડી શકે છે તેવી સંભાવના વ્યકત કરાઈ છે.

Leave A Reply