સાંસદ રાજેશભાઈ ચુડાસમાનાં નેતૃત્વમાં જૂનાગઢમાં ગાંધી સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત આજે જૂનાગઢમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાનાં નેતૃત્વમાં પૂજય ગાંધી સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિની જુદાં-જુદાં કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત જૂનાગઢમાં પણ સાંસદ રાજેશભાઈ ચુડાસમાનાં નેતૃત્વ હેઠળ આજે ગાંધી સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજવામાં આવી રહેલાં આ કાર્યક્રમમાં આજે સવારે જૂનાગઢ શહેરનાં ગાંધી ચોક ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરીને પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવેલ હતું. ત્યારબાદ ૮.૩૦ કલાકે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર અને સંતોનું સન્માન થયું, જયારે ૯.૩૦ કલાકે ધારાનગર ગેઈટ ખાતે જીલ્લા ભાજપ કાર્યકતાઓ દ્વારા આ પદયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જૂનાગઢ તાલુકાનાં પ્લાસ્વા ગામે તપોવન સંકુલમાં ગ્રામજનો દ્વારા પદયાત્રાનું સ્વાગત અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ પાદરીયા સ્કુલમાં પ્રાર્થના સભા, વડીલોનું સન્માન તેમજ વિજાપુરનાં પાટીયે ગ્રામજનો દ્વારા પદયાત્રાનું સ્વાગત અને ડુંગરપુર સ્કુલમાં જળ બચાવો સંકલ્પનો કાર્યક્રમ તેમજ પાતાપુર સ્કુલમાં સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ જેવાં કાર્યક્રમો યોજવામાં આવી રહેલ છે. જયારે નરસિંહ મહેતાં યુનિવર્સિટી ખાતે વ્યસન મુક્તિ અભિયાન તેમજ ખડીયા સ્કુલમાં પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિકનો બહિષ્કાર સંદર્ભે સંકલ્પ અને આણંદપુર ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક અભિયાન અને વડીલોનું સન્માન સાથે પદયાત્રાનું સમાપન કરવામાં આવશે. ગાંધી સંકલ્પ યાત્રાનાં આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા ભાજપનાં વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave A Reply