સૌરાષ્ટ્ર-કચ્છમાં ડેંન્ગ્યુનો હાહાકાર : ઠેર ઠેર માંદગીના ખાટલા

ચોમાસાની વિદાયની સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગંભીર પ્રકારના રોગચાળાએ માથુ ઉચકયું છે જેમાં ખાસ કરીને ડેંગ્યુએ કાળોકેર વર્તાવ્યો છે, દવાખાનાઓમાં દર્દીઓની કતારો જાવા મળે છે અને ઠેર ઠેર માંદગીના ખાટલા હોવાનું તારણ છે. ચોમાસાના દિવસો દરમ્યાન પાણીજન્ય રોગચાળો સતતને સતત ફેલાયેલો રહ્યો છે. ચોમાસાની વિદાયની સાથે એક તરફ હવામાનમાં ફેરફાર, સવારના ભાગે ઠંડક ભર્યું વાતાવરણ અને ત્યારબાદ બપોરે ગરમી-ઉકળાટના માહોલ વચ્ચે ઝેરી તાવ, મેલેરીયા, વાઈરલ ફીવર, શરદી, ઉધરસ, કરતળ, ઉલ્ટી, ઉબકા, ચક્કર આવવા જેવા રોગોથી લોકો પીડાઈ રહ્યા છે. જૂનાગઢ જિલ્લાની અને આસપાસના જિલ્લાઓને પણ લાગુ પડતી જૂનાગઢની સીવીલ હોસ્પીટલ કે જ્યાં એકાંતરા ૧પ જેટલા કેસો ડેન્ગયુના આવતાં હોય છે. આ ઉપરાંત ઈમરજન્સી સારવાર સહિતના કેસો આઉટડોર અને ઈન્ડોર પેસન્ટો સારવાર લઈ રહ્યા છે જેવી આ સીવીલ હોસ્પીટલમાં પણ ઝેરી મેલેરીયા, તાવ, ડેંગ્યુના કેસો સામે જરૂરી સારવાર કરવામાં આવી રહી છે. જીલ્લા આરોગ્ય તંત્ર પણ આરોગ્ય વિષયક પગલા રોગચાળાને કાબુમાં લેવા તત્કાલ પગલા લ્યે તેવી માંગણી ઉઠી છે અને ડીડીટી છંટકાવ ફોંગીન મશીન દ્વારા તત્કાલ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે તો બીજી તરફ ગંભીર પ્રકારના રોગચાળા ફેલાવામાં મહત્વની ભૂમિકા જેની છે તેવા મચ્છરને કોઈપણ પ્રકારની દવાની અસર થતી નથી અને તેને પણ આધુનિકતાનો રંગ લાગી ગયો હોય તેમ એકે હજારા જેવું કામ કરી વધુને વધુ લોકોને સકંજામાં લેવા માંગતુ હોય તેમ રોગચાળો ઝડપથી વકરી રહ્યો છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં ૭૦૦ ઉપર કેસ, રાજકોટ ૪૦૦, ગીરસોમનાથ ૪૦૦, પોરબંદર ૬૦૦, દેવભૂમિ દ્વારકા પ૦૦, જામનગર, ભાવનગર, ભૂજ-કચ્છ, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર વગેરે જીલ્લાઓમાં પણ ૪૦૦ ઉપરાંત વિવિધ પ્રકારના કેસો નોંધાયેલા છે. રસ્તા ઉપર સોસાયટી વિસ્તારમાં ઠેર ઠેર પાણીના હોજ ભરેલા છે અને યોગ્ય પાણીનો નિકાલ ન થવાના કારણે પણ ઝેરી મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. ગંભીર રોગચાળામાં પટકાયેલા સંખ્યાબંધ લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં તબીબોના મૃત્યુ થયાના પણ અહેવાલો છે.

Leave A Reply