Monday, December 16

જૂનાગઢ મનપાનાં જનરલ બોર્ડમાં શહેરનાં રસ્તાનાં પ્રશ્ને વિરોધપક્ષે તડાપીટ બોલાવી

જૂનાગઢ મહાનગર પાલિકાનાં જનરલ બોર્ડની એક મહત્વની બેઠક આજે મળી હતી. આ બેઠકમાં રસ્તા પ્રશ્ને વિરોધપક્ષ દ્વારા ઉગ્ર રજુઆત કરી અને તાત્કાલિક અસરથી કામગીરી કરવાની માંગણી કરી હતી.
ભાજપ શાસિત જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડની બેઠક કોર્પોરેશન ખાતે મળી હતી. આ બેઠકમાં કમિશ્નર તુષાર સુમેરા, ડે.મેયર હિમાશું પંડયા, શાસકપક્ષનાં નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધરમણ ડાંગર તેમજ ભાજપનાં પદાધિકારીઓ અને જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શશીભાઈ ભીમાણી ઉપસ્થિત રહ્યાં હતાં. આજની આ બેઠકમાં એનસીપી પાર્ટીનાં વિરોધપક્ષનાં નેતા અદ્રેમાનભાઈ પંજા તેમજ દંડક વિજયભાઈ વોરાએ જૂનાગઢ શહેરની જનતાનાં મુખ્ય પ્રાણ પ્રશ્ન એવા શહેરનાં રસ્તા પ્રશ્ને તડાપીટ બોલાવી હતી અને તીવ્ર આક્રોશ વ્યકત કર્યો હતો એક તકે તો ભારે ચડસાચડસી પણ ચાલી હતી. તો બીજી તરફ એકલ વિરાંગના કોંગ્રેસનાં કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ પણ રસ્તા પ્રશ્ને ઉગ્ર રજુઆતો કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ શહેરનાં રસ્તાઓ માટે રાજય સરકાર દ્વારા રૂ.૬ કરોડની ગ્રાન્ટ ફાળવી છે અને આ રકમ બેન્કમાં મુકીને તેમની ઉપર વ્યાજ મેળવવામાં આવી રહેલ છે. ચોમાસા પહેલાંથી જ રસ્તાની હાલત ખુબ જ ખરાબ છે અને રસ્તાઓ માટે ઠેક-ઠેકાણે ખાડાઓને પગલે લોકોને તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ ખરાબ રસ્તાઓનાં કારણે ધુળની ડમરીઓ પણ સતત ઉડી રહી છે. દરમ્યાન રસ્તાઓ પ્રશ્ને ભારે રજુઆતો બાદ કમિશ્નરશ્રી દ્વારા જણાવાયું હતું કે આગામી ૧૯ નવેમ્બરથી રસ્તાઓ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દરમ્યાન આજની બેઠકમાં ઉપસ્થિત જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શશીભાઈ ભીમાણીએ પણ રસ્તા પ્રશ્ને રજુઆત કરતાં જણાવ્યું હતું કે અન્ય કામોની પહેલાં જૂનાગઢ શહેરની જનતાનાં પ્રાથમિક સુવિધાનાં પ્રશ્નને તાત્કાલિક અસરથી હાથ ઉપર લઈ અને રસ્તા સહિતની કામગીરી કરવા જણાવ્યું હતું.

Leave A Reply