જંગલના રાજા વનરાજનું વેકેશન પુરૂં

વનરાજોનું વેકેશન પુરૂ થતાં તા.૧૬ ઓકટોબરથી સાસણ જંગલના દ્વાર સિંહ દર્શન માટે ખૂલશે અને ત્યારથી સવારે ૬ વાગ્યાથી વિધિવત વન વિભાગ દ્વારા લીલી ઝંડી દેખાડી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. બીજી બાજુ થોડાક દિવસ પછી દિવાળીનું વેકેશન પણ આવી રહ્યું છે ત્યારે પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર દેખાઇ રહ્યા છે. ગીર અભયારણ્યમાં સિંહદર્શન માટે અત્યારથી મોટી સંખ્યામાં લોકોએ એડવાન્સ પરમિટ બુકીંગ પણ કરાવવાનું શરૂઆત કરી દીધું છે. બીજી બાજુ આ વખતે મેઘરાજા ગુજરાત ઉપર સારા એવા મહેરબાન થયા છે ત્યારે ગીર પંથકમાં વધુ વરસાદ પડયો હોવાથી ગીરની વનરાઇઓ સોળે કળાએ ખીલી ઊઠી છે. સિંહોનું વેકેશન ખૂલતાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહદર્શન કરશે. અહીં ઉલ્લેખનીય છે કે, ૧૬ જૂનથી ૧પ ઓકટોબર સુધી સિંહદર્શન બંધ રાખવામાં આવે છે, કારણ કે આ સમયગાળો વનરાજો માટે સંવનનકાળનો સમય હોય છે. એથી દર વર્ષે આ સમયગાળા દરમ્યાન સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અહીં લાખોની સંખ્યામાં સહેલાણીઓ સિંહદર્શન માટે આવતાં હોય છે. બીજી બાજુ છેલ્લી ગણતરી મુજબ સિંહોની સંખ્યા પર૩ આસપાસ હતી, હવે આશરે ૭૦૦ ઉપર સાવજોની સંખ્યા પહોંચી છે ત્યારે આ ચાર માસનો સિંહો માટેનો સંવનનકાળ ગુજરાત માટે કેટલો મહત્વનો સાબિત થાય છે એ આવનારો સમય દેખાડશે.

Leave A Reply