જૂનાગઢ મનપાની વોર્ડ નં. ૩ ની ચૂંટણીને અનુલક્ષીને ચુસ્ત બંદોબસ્ત

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાનાર વોર્ડ નંબર ૩ ની ચુંટણી માટે અત્યારથી જ તૈયારી આરંભી દેવા તથા કડક હાથે કામ લેવા સુચનાઓ આપવામાં આવેલ છે. તે સુચનાને આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાય એસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રોબેશ્નર ડીવાયએસપી એમ.ડી.બારીયા, ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ કે.કે.ઝાલા, પીએસઆઇ જે.એચ.કચોટ, ડીજી.બડવા, વી.કે. ઉંજીયા, પી.વી.ધોકડીયા તથા સ્ટાફ દ્વારા દરરોજ સાંજના સમયે જૂનાગઢ સુખનાથ ચોક આજુબાજુ મજેવડી ગેઇટ, ધારાગઢ દરવાજા, જેલ રોડ ચાર રસ્તા,માંડવી ચોક તથા જગમાલ ચોક સહિતના પોઇન્ટ ઉપર વાહન ચેકીંગ કરવાનું ચાલુ કરવામાં આવેલ છે. આ વાહન ચેકીંગના દરેક પોઇન્ટ ઉપર ૧ પીએસઆઇ અને ૫ પોલીસ કર્મચારી તથા ૧ મહિલા પોલીસ સાથે ચેકીંગ કરવાનું ચાલુ કરવામાં આવેલ છે. આ ચેકીંગમાં સ્થાનિક ‘એ’ ડિવિઝન પોલીસ ઉપરાંત ‘બી’ ડિવિઝન, ‘સી’ ડિવિઝન, ભવનાથ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્ટાફ તેમજ ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પીઆઈ આર.કે.ગોહિલ, એસ.ઓ.જી. ઇન્ચાર્જ પીઆઈ. જે.એમ.વાળા, પેરોલ ફર્લો સ્કવોડ, ક્યુ.આર.ટી. પણ આ ચેકીંગ દરમ્યાન કાર્યવાહીમાં જાડાયા હતા. જૂનાગઢ શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં તમામ અધિકારીઓ તથા સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું અને પ્રજામાં સલામતીનો અહેસાસ થાય તે માટે ફૂટ પેટ્રોલિંગ દરમ્યાન પણ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. ચેકીંગ દરમ્યાન ૮૦ વાહન ચાલકો દંડાયા હતા અને ૫ વાહન ડિટેઇન કરવામાં આવેલ હતા. તેમજ સુખનાથ ચોક, મજેવડી ગેઇટ, ભારતમિલના ઢોરા વિસ્તારમાં સુપર કોપ બાઇક પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવેલ છે. સમગ્ર કાર્યવાહી પૂર્ણ થયા બાદ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવતો રોલકોલ પણ સુખનાથ પોલીસ ચોકી ખાતે રાખવામાં આવેલ હતો. સામાન્ય રીતે રોલકોલ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવતા હોય છે, પરંતુ હાલમાં સુખનાથ ચોક વિસ્તારમાં ચૂંટણી યોજાનાર હોઈ, જે દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમ્યાન શરૂ કરવામાં આવેલ નવતર પ્રયોગ મુજબ સુખનાથ ચોક, માંડવી, મજેવડી ગેઇટ, વિગેરે જુદા જુદા વિસ્તારમાં પોલીસનો રોલકોલ લેવા પોલીસ દ્વારા નક્કી કરવામાં આવેલ છે.વાહન ચેકીંગ તથા ફૂટ પેટ્રોલિંગ તેમજ વિસ્તારમાં ચેકીંગ અંગે એરિયા ડોમીનેશનની કાર્યવાહી, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ચાલુ રાખવામાં આવશે તેમ ‘એ’ ડીવીઝન પોલીસની યાદીમાં જણાવાયું છે.

Leave A Reply