જૂનાગઢ શહેરનાં તુટેલા માર્ગોને મરામત કરવાની કામગીરી શરૂ

જૂનાગઢ શહેરનાં ખાડા, ટેકરાવાળા અને ધૂળીયા રસ્તા અંગે અનેક લોક ફરિયાદો ઉઠવા પામી છે. તહેવારોના દિવસોમાં લોકોને રસ્તા પ્રશ્ને રાહત થાય તે માટે તત્કાલ કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી હતી અને જનરલ બોર્ડમાં પણ રસ્તા સહિતના પ્રશ્ને ભારે તડાપીટ બોલી હતી. કમિશ્નરશ્રી દ્વારા અને શાસક પક્ષના પદાધિકારીઓએ રસ્તા પ્રશ્ને યોગ્ય પગલાં ભરવા જણાવ્યું હતું આ દરમ્યાન જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તરોમાં તૂટેલા રસ્તાની કામગીરી ઝડપી હાથ ધરવામાં આવી છે. આ તકે જૂનાગઢ મનપા ના ડે.મેયર હિમાંશુભાઈ પંડયા, સ્ટે.ચેરમેન રાકેશભાઈ ધૂલેશિયા, કમિશ્નર તુષાર સુમેરા સહિતનાં અધિકારીઓએ ગઈકાલે સાંજે ગાંધીગ્રામ અને મધુરમ રોડ ઉપર ગેરંટી પીરીયડનાં શરૂ થયેલા રસ્તા દુરસ્તીકરણની કામગીરીનું જાત નિરીક્ષણ કરેલ હતું. આગામી દિવાળી પહેલા ગેરંટી પીરીયડમાં આવતા જૂનાગઢ શહેરના તમામ માર્ગોની દુરસ્તીકરણની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરાય તેવી આશા સેવાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે ચોમાસા દરમ્યાન પડેલા વરસાદને પગલે જૂનાગઢ શહેરનાં મોટાભાગનાં રસ્તાઓ સાવ ધોવાઈ ગયા છે અને મસમોટા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહયા છે.

Leave A Reply