ભવનાથમાં જૈન સાધ્વીનું રિક્ષામાં રહી ગયેલ પર્સ ગણતરીની કલાકોમાં પોલીસે પરત અપાવ્યું

જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે સહસાવન કલ્યાણભૂમિ તીર્થોદ્વાર સમિતિના એક જૈન સાધ્વીજી તા. ૧૫.૧૦.૨૦૧૯ ના રોજ ભવનાથ રિક્ષામાં આવતા, પોતાનો સામાન રિક્ષામાં લેવાનો રહી ગયો હતો અને રીક્ષા ચાલક રિક્ષા લઈને જતો રહેલ હતો. સાધ્વીજીનો સામાનમાં તેઓના અમૂલ્ય ધાર્મિક પુસ્તકો અને વસ્તુઓ હતી જે ભવિષ્યમાં મળવી મુશ્કેલ હોય, સાધ્વીજી ખૂબ જ વ્યથિત થઈ ગયેલા હતા. આ બાબતની જાણ ભવનાથ ખાતેની જૈન સમિતિ સહસાવન કલ્યાણભૂમિ તીર્થોદ્વાર સમિતિ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ હતી.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણાં અમાલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા ખાસ સૂચના આપવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી.ધોકડીયા, સ્ટાફના હે.કો. યુસુફભાઈ, સંદીપભાઈ, અરવિંદભાઈ સહિતની ટીમ દ્વારા જાહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજને આધારે તપાસ કરતા, રીક્ષા બાબતે ઝીણવટ ભરી તપાસ કરતા, જૈન સાધ્વીજી જે રીક્ષામાં આવેલ હતા, તે રીક્ષાનો નંબર ય્ત્ન૧૧ફ૯૮૩૩ મળી આવેલ, જેના આધારે રીક્ષાના મલિક બચુભાઇ વાસાનીનું સરનામું મળી આવેલ હતું.
રિક્ષાના મલિકને આધારે ડ્રાઈવર અને રિક્ષા શોધી કાઢી, સાધ્વીજીનો રીક્ષામાં રહી ગયેલ થેલો અને કિંમતી સામાન મળી આવેલ હતો. રિક્ષાનાં માલિક બચુભાઇ પણ સાધ્વીજીને શોધતા હતા. તેઓએ સામાન પોલીસને સોંપ્યો હતો જે સામાન પોલીસ દ્વારા ભવનાથ ખાતે સહસાવન કલ્યાણભૂમિ તીર્થોદ્વાર સમિતિ ખાતે જઈને સાધ્વીજીને પરત કરવામાં આવેલ હતો. ભવનાથ પોલીસ દ્વારા ગુમ થયેલ થેલા બાબતે તાત્કાલિક તપાસ કરી, ગણતરીની કલાકોમાં અમૂલ્ય સામાન પરત મેળવી, સાધ્વીજીને પરત સોંપવામાં આવતાં ભવનાથ ખાતે સહસાવન કલ્યાણભૂમિ તીર્થોદ્વાર સમિતિ તથા સાધ્વીજી દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. ભવનાથ પોલીસની ઝડપી કાર્યવાહીથી પ્રભાવિત થઈ, ભવનાથ ખાતે સહસાવન કલ્યાણભૂમિ તીર્થોદ્વાર સમિતિ દ્વારા પ્રશંસા કરી, આભાર પત્ર પણ એનાયત કરવામાં આવેલ હતો.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ ભવનાથ પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં સાધ્વીજીનો ગુમ થયેલ સામાન પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયીત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.

Leave A Reply