ઘાતક હથિયારો સાથે ગેરકાયદેસર મંડળી રચી સોનારડીનાં માજી સરપંચની હત્યા

વંથલી તાલુકાનાં સોનારડી ગામે ગઈકાલે બનેલાં એક બનાવમાં માજી સરપંચની ઘાતક હથિયારો વડે હત્યા થયાનો બનાવ બહાર આવેલ છે. આ બનાવનાં અનુસંધાને ૧૬ શખ્સો સામે વંથલી પોલીસમાં ફરીયાદ દાખલ થતાં આરોપીને ઝડપી લેવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. આ બનાવ અંગે મળતી વિગત અનુસાર વંથલીના સોનારડી ગામે ગઈકાલે સાંજે ગ્રામસભા પૂર્ણ થયા બાદ કોઈ ડખ્ખો થયો હતો. જેમાં માજી સરપંચ દિલાવરભાઈ ઉર્ફે દાદાભાઈ મહંમદભાઈ પલેજા (ઉ.પ૦)ની કોઈએ છરીના ૬ થી ૭ ઘા ઝીંકી હત્યા કરી હતી. નિત્યક્રમ મુજબ દિલાવરભાઈ પલેજા સાંજે ૬ થી ૭ વાગ્યા વચ્ચે તેમના પરિવારજનો સાથે ભોજન લે છે પરંતુ ગઈકાલે તે મોડે સુધી ઘરે નહીં આવતાં તેનો પુત્ર મકબુલ તેમને શોધવા નિકળ્યા હતો જયાં પિતા દિલાવરભાઈ પલેજાને લોહી-લુહાણ હાલતમાં રસ્તામાં જમીન ઉપર પડેલા જોવા મળ્યા હતા. તેથી તેમણે પરિવારજનોને અને પોલીસને જાણ કરી હતી. દિલાવરભાઈ પલેજાને સારવાર માટે જૂનાગઢ સિવીલમાં લવાયા હતા. જયાંથી ખાનગી હોસ્પિટલ અને ફરી સિવીલ હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજયું હતું. આ બનાવમાં નદીમ જાફર અને આદીમ હાસમને પણ ઈજા પહોંચી હતી.તેમને પણ હોસ્પિટલે ખસેડાયા બાદ બંને ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહેલ છે. દરમ્યાન પોલીસે આપેલી વિગત અનુસાર આ બનાવ અંગે મકબુલભાઈ દિલાવરભાઈ ઉર્ફે ડાડાભાઈ પલેજા (જાતે.ગામેતી, ઉ.વ.ર૧, રહે. સોનારડી)વાળાએ ઈબ્રાહીમ મુસા પલેજા, અશરફ મુસા પલેજા, અબ્દુલ મુસા પલેજા, યુનુસ મુસા પલેજા, અબા હુસેન પલેજા, હુસેન તૈયબ પલેજા, યુસુફ નુરમહંમદ પલેજા, ઈકબાલ તૈયબ પલેજા, યુસુફ ઈસ્માઈલ પલેજા, ઈમ્તીયાઝ ઈસ્માઈલ પલેજા, જુમ્મા ઈસ્માઈલ પલેજા, કાસમ ઈસ્માઈલ પલેજા, ફિરોઝ ડોસા ઉર્ફે ઓઘા પલેજા, સલીમ નુરમહંમદ પલેજા, યુસુફ મુસા પલેજા, મુસા મામદ પલેજા વગેરે સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આજથી ર૦ દિવસ પહેલાં ફરીયાદીનાં કાકાનો દિકરો હાજીમ હાસમ પલેજાએ આ કામનાં આરોપી યુસુફ મુસા પલેજા કે જે વિજાપુર સ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કરતાં હોય અને તેની લાયકાત બાબતે આરટીઆઈ કરી હતી. જે અંગે બે દિવસ પહેલાં આરોપી યુસુફ મુસા તથા મુસા મામદ પલેજા ફરીયાદીની વાડીએ ગયા હતા અને ફરીયાદીનાં પિતા દિલાવર ઉર્ફે દાદા મામદને કહેલ કે અમારી આરટીઆઈ કેમ કરેલ છે તેમ કહી તમોને જોઈ લેશું, અમારૂં કોઈ કાંઈ બગાડી નહીં લે ? તેવી ધમકી આપી હતી. દરમ્યાન ગઈકાલે પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાની રાત્રી શાળા યોજાઈ હતી જેમાં મૃતક દિલાવરભાઈએ પ્રશ્નો પુછેલ જેનો આરોપીઓએ ખાર રાખી કાવતરૂં રચી ગેરકાયદેસર મંડળી રચી અને ઘાતક હથીયારો વડે હુમલો કરતાં ફરીયાદીનાં પિતા દિલાવર ઉર્ફે દાદા મામદનું મોત નિપજયું હતું જયારે નદીમ જાફર અને આદીમ હાસમ ઉપર પણ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસમાં મકબુલભાઈ દિલાવરભાઈએ ફરીયાદ નોંધાવતાં પોલીસે ૧૬ આરોપીઓ વિરૂધ્ધ કલમ ૩૦ર, ૩૦૭, ૧૪૬, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩ર૩, ર૯૪(ખ), પ૦૬, ૧૧૪, ૧ર૦, જીપીએકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે આ બનાવની વધુ તપાસ વંથલીનાં પીએસઆઈ સોલંકી ચલાવી રહ્યાં છે.

Leave A Reply