મીઠી બરફીના નામે ટેલ્કમ પાવડર મિક્સ કરીને માવો બનાવતાં ૪પ એકમો સીલ

દિવાળીના તહેવારમાં તમે મીઠાઈની ખરીદી કરતાં અને મીઠાઈ માટે માવાની ખરીદી કરતા પહેલાં ચેતી જજો કેમ કે, તમે જેને માવો સમજીને મીઠાઈનો આનંદ માણતા હોય તે ખરેખરમાં ભેળસેળયુક્ત માવો હોઈ શકે છે. જેમાં ટેલ્કમ પાવડર મિશ્રિત કરવામાં આવે છે જેના લીધે આવા ભેળસેળવાળો માવો તમારા આરોગ્યને નુકસાન પહોંચાડે તેમાં કોઈ શંકા નથી. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે કેટલાક કારખાનાઓમાં દરોડા પાડીને ભેળસેળવાળા માવાનો જથ્થો કબ્જે કરીને ૪પ જેટલા એકમોને સીલ મારી દીધા છે. દિવાળી દરમ્યાન પરંપરાગત મીઠાઇ બનાવવાનો અને ખવડાવાનો આપણે ત્યાં રિવાજ છે. પરંતુ મીઠી બરફીના નામે કેટલાક કારખાનાઓ દ્વારા વેપારીઓને ખૂબ જ ખતરનાક માવો પધરાવાઇ રહ્યો છે. એવી વિગતો સાપડી છે કે કારખાનાઓ ટેલ્કમ પાવડર અને ખાંડ મિશ્રિત માવો હોલસેલ વેપારીઓ અને ગામડાના નાના વેપારીઓને અંદાજે સો થી દોઢસો રૂપિયે કિલોના ભાવે પૂરી પાડી રહ્યા છે. આ જ માવામાં કલર ભેળવીને વિવિધ મીઠાઇઓ બનાવીને વેપારીઓ તેને રૂ.૭૦૦થી રૂ.૮૦૦ કિલોના ભાવે વેચી રહ્યા છે. આ રીતે ગ્રાહકો ગુણવત્તા અને ભાવ બંને રીતે છેતરાઈ રહ્યા છે. મીઠી બરફીના નામે ભેળસેળ યુક્ત માવો વેચી રહેલા ગુજરાતના આવા કુલ ૪૫ એકમોને હાલ રાજ્યના ફૂડ એન્ડ ડ્ર્‌ગ્ઝ વિભાગે સીલ કર્યા છે.આ મુદ્દે મીડિયા સાથે વાત કરતા ફૂડ એન્ડ ડ્રગ્ઝ કમિશ્નર હેમંત કોશિયાએ જણાવ્યુ હતુ કે , “તેમને મહેસાણા અને ગાંધીનગરના બે કારખાનાઓમાં ટેલ્કમ પાવડર મિશ્રિત મીઠી બરફી હોવાનું ધ્યાને આવતા બંને એકમોને સીલ કરી દેવામાં આવ્યા હતા.” જોકે, બાદમાં ગુજરાતના તમામ મીઠી બરફી બનાવતા કારખાના ઉપર તપાસ કરતાં એવું સત્ય સામે આવ્યું હતું કે મીઠી બરફીના નામે એક કારખાનામાં નહીં પરંતુ રાજ્યના લગભગ તમામ કારખાનાઓમાં આવું ચાલી રહયુ છે. આવું કરીને આ લોકો જનતાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા. જે બાદમાં ગુજરાતના તમામ ૪૫ કારખાનાઓને દંડ ફટકારીને સીલ કરી દેવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્ઝ કમિશ્નર હેમંત કોશિયાના જણાવ્યા અનુસાર મીઠી બરફી બનાવતા કારખાનાઓ ઉપર દરોડાં દરમ્યાન મહેસાણા જિલ્લામાં ૨૧ એકમો, અમદાવાદમાં ૮, ગાંધીનગર જિલ્લામાં ૬, રાજકોટમાં ૩, જૂનાગઢમાં ૨, ભાવનગરમાં ૧, વડોદરા ૧, સુરતમાં ૧ એકમ સીલ કરાયા છે. આ કારખાનાઓમાં અખાદ્ય વસ્તુઓમાંથી માવો બનાવવામાં આવતો હતો. સૌથી વધુ એકમો મહેસાણા અને અમદાવાદમાં સીલ કરાયા છે. નોંધનીય છે કે દિવાળી દરમ્યાન લગભગ તમામના ઘરે માવાની મીઠાઈ બનતી હોય છે. આથી તહેવારો પ્રસંગે જરૂર પ્રમાણે માવો મળતો નથી. આજ કારણે તકસાધુઓ ભેળસેળવાળો માવો બનાવીને તેનું વેચાણ કરતા હોય છે.

Leave A Reply