કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ અગ્રણી, સંધી મુસ્લિમ સમાજના આગેવાન અને સમસ્ત સમાજમાં પ્રિય એવા ‘ચાચુ’ હાજી હુશેનભાઈ હાલાને અશ્રુભીની શ્રધ્ધાંજલી

જૂનાગઢ સંધી મુસ્લિમ સમાજના પ્રમુખ અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ અગ્રણી તેમજ સર્વ સમસ્ત હિન્દુ-મુસ્લિમ સમાજમાં અત્યંત લોકપ્રિય એવા ચાચુના નામથી જાણીતા હુશેનભાઈ મહંમદભાઈ હાલા જન્નત નસીન થતાં જૂનાગઢ શહેરમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ગઈકાલે તેઓને સર્વ સમાજે અશ્રુભીની ભાંવજલી અર્પણ કરી હતી. જૂનાગઢના પૂર્વ કોર્પોરેટર અને સંધિ મુસ્લિમ સમાજના પ્રમુખ એવા હુસેનભાઇ હાલાનું અમદાવાદની હોસ્પિટલમાં નિધન થયું હતું અને ગઈકાલે વહેલી સવારે ૧૧ કલાકે તેમના નિવાસ સ્થાન ખાતેથી તેમની અંતિમ સફર નીકળી હતી. જૂનાગઢના મહાબત મકબરા ખાતે હુશેનભાઇ હાલાની જનાજાની નમાઝ પઢવામાં આવી હતી. તેમના જનાજામાં હજારો લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
છેલ્લા ચાર ટર્મથી જૂનાગઢ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ફરજ બજાવી ચૂક્યા એવા હુશેનભાઇ હાલાના નિધનના સમાચાર સાંભળી તેમના સાથી, કોર્પોરેટર નેતાઓ અને તેમના ચાહકોમાં મોટી ખોટ પડી છે.
મર્હુમની અંતિમ યાત્રામાં વિવિધ ક્ષેત્રના અગ્રણી, આગેવાનો, મહાનુભાવો, સંતો તેમજ મહંત ઇન્દ્રભારતીબાપુએ પણ હુશેનભાઇ હાલાના જનાજાને ફુલહાર કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને હુશેનભાઈ હાલાને અલ્લાહ જન્નત નસીબ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો અને નેતાઓ પણ અંતિમ સફરમાં જોડાયા હતા અને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, બાહોશ નેતા એવા હુશેનભાઈ હાલાના નિધનથી કોંગ્રેસને બહુ મોટી ખોટ પડી છે અને તેમની આત્માને અલ્લાહ શાંતિ આપે અને જન્નત નસીબ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. કોમી એકતાના ચાહક જૂનાગઢના સર્વ સમાજના માન્ય નેતા આગવી સૂઝબૂઝ ધરાવતા દરેક સમાજના સુખ, દુઃખમાં સહભાગી થનાર એવા નિષ્ઠાવાન તેમજ ઓબીસી, એસસી, એસટી આગેવાન, હિન્દુ મુસ્લિમ સમાજના દરેક ધાર્મિક પ્રસંગોમાં અગ્રેસર રહેનાર એવા ચાચું હુશેનભાઈ હાલાને રાજકીય, સામાજીક અગ્રણીઓ તેમજ તમામ સમાજનાં અગ્રણીઓએ શ્રધ્ધાંજલી અર્પી હતી.

Leave A Reply