નંબર પ્લેટ વગરના વાહનો ચલાવવા જેલની સજા નોતરી શકશે !

કેન્દ્ર અને રાજય સરકારે તાજેતરમાં અમલમાં મુકેલા નવા મોટર વ્હીકલ એકટમાં વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ ન હોવા માટે આકરા દંડની જોગવાઈ કરી છે. પરંતુ હવે વાહનોમાં નંબર પ્લેટ ન રાખવા માટે દંડની સાથે જેલની સજા પણ થઈ શકે છે. સામાન્ય રીતે લૂંટફાટ, ચીલઝડપ, દુષ્કર્મ વગેરે જેવા ગુન્હાઓમાં ગુનેગાર નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરવાની મોડસ ઓપરેનડસ અપનાવતા હોય છે. જેથી આવી અસામાજીક પ્રવૃતિઓને ડામવા લુધીયાના પોલીસ કમીશ્નર દ્વારા નંબર પ્લેટ વગર વાહન ચલાવવા બદલ માત્ર દંડ જ નહી પરંતુ પોલીસ ફરીયાદ નોંધવાનો હુકમ કર્યો છે. આ હુકમ મુજબ એકથી છ માસ સુધીની જેલની સજા થઈ શકે છે.
લુધિયાના પોલીસ કમિશ્નર રાકેશ અગ્રવાલ દ્વારા જાહેર કરેલા પરિપત્ર મુજબ લૂંટ, ચીલઝડપ, દુષ્કર્મ જેવા નાના મોટા ગુનાઓ આચરનારા અસામાજીક તત્વો પોતાની ઓળખ છુપાવવા નંબર પ્લેટ વગરના વાહનો વાપરે છે. જેથી આવા અસામાજીક તત્વોની ભાળ મેળવવા માટે નંબર પ્લેટ વગરના વાહનો ચલાવનારાઓ સામે સીઆરપીસીની કલમ ૧૪૪ હેઠળ હુકમ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે આઈપીસીની કલમ ૧૮૮ મુજબ જાહેર સેવક દ્વારા ફરજીયાત આદેશોની અવગણના બદલ પોલીસ ફરિયાદ નોંધવાની તમામ પોલીસ સ્ટાફને સુચના આપવામાં આવી છે. આઈપીસીની કલમ ૧૮૮ના ભંગ બદલ આરોપીને એક માસથી લઈને છ માસ સુધીની કેદની સજા થઈ શકે છે.
લુધિયાના પોલીસ કમિશ્નર રાકેશ અગ્રવાલે આ હુકમ અંગે જણાવ્યું હતું કે શહેરમાં ગુનાઓ કરવાની રીતનું વિશ્લેષણ કર્યા પછી ખ્યાલ આવ્યો હતો કે મોટાભાગના ગુનાઓમાં ગુનેગારો પોતાની ઓળખ છુપાવવા ગુનામાં વાપરતા વાહનોમાં નંબર પ્લેટ કાઢી નાખતા હોય છે જેથી આવા ગુનાઓની પોલીસ તપાસમાં તેની અસર પડતી હોય તેને રોકવા માટે કડક પગલા લેવાની જરૂર ઉભી થઈ હતી. જેથી આ હુકમ બહાર પાડવામાં આવ્યો છે તેમ જણાવીને અગ્રવાલે જણાવ્યું હતું કે અગાઉ નંબર પ્લેટ વગરના વાહન ચાલકો પાસેથી એક હજાર રૂ. દંડ વસુલવામાં આવતો હતો. પરંતુ હવે આ હુકમનો ભંગ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે અગ્રવાલે જણાવ્યું હતું કે આ હુકમનું પાલન યોગ્ય રીતે કરવામાં આવ્યા બાદ તેમનું લક્ષ્ય વાહનો ઉપરની નકલી નંબર પ્લેટો ઉપર હશે. ગત રપમી ઘુગરીમાં ઈમીગ્રેશન ઓફીસ બહાર કારમાં આવેલા બે ત્રાસવાદીએ ફાયરીંગ કર્યુ હતું.
આ કારમાં ત્રાસવાદીઓએ નકલી નંબર પ્લેટ લગાવી હતી જેથી નકલી નંબર પ્લેટવાળા વાહનોને ઓળખવા પણ એટલા જ જરૂરી છે. આ અંગે મદદનીશ પોલીસ કમિશ્નર સુરિન્દર મોહને જણાવ્યું હતું કે મોટાભાગના ચીલઝડપ કરનારી સમડીઓ અને લુંટારૂઓ નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરે છે. કેટલાક આરોપીઓ નકલી નંબર પ્લેટોનો ઉપયોગ પણ કરે છે. સામાન્ય રીતે આવી પ્રવૃત્તિઓ જાહેરમાં લગાવાયેલા સીસી ટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. પરંતુ નંબર પ્લેટ વગરના કે નકલી નંબર પ્લેટવાળા વાહનોના કારણે પોલીસને આરોપીઓને શોધવામાં મુશ્કેલી પડે છે.

Leave A Reply