Tuesday, February 18

ડેન્ગ્યુ સામે સરકારી તંત્ર સબ સલામતની પિપુડી વગાડી રહ્યું છે !

વરસાદની સતત આગાહી, અવારનવાર જોરદાર ઝાપટાં તેમજ લોકો ગંભીર પ્રકારનાં તાવ, ડેન્ગ્યુ, મેલેરીયા, ઝેરી મેલેરીયા, શરદી, ઉધરસ જેવી બિમારીનાં સંકજામાં છે અને તહેવારોની આ મોસમ આવતીકાલથી શરૂ થઈ રહી છે ત્યારે લોકોને ત્રિ-મોર્ચે લડાઈ સાથે તહેવારોની ઉજવણી કરવી પડશે તેવો માહોલ સર્જાયો છે. આ વર્ષે કદાચ દિપાવલી અને નુતન વર્ષનાં તહેવારોમાં લોકો સાલ-મુબારકને બદલે એકબીજાનાં ખબર અંતર પુછવા પડે તેવો માહોલ સર્જાયો છે. રોગચાળાનાં આ સમયમાં આરોગ્ય સામે પ્રતિકાત્મક પગલાં લેવાની તાતી આવશ્યકતા રહેલી છે. સામાજીક સંસ્થાઓ દ્વારા આરોગ્યપદ ઉકાળાનું વિતરણ ઠેર-ઠેર કરવામાં આવી રહ્યું છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં ગંભીર પ્રકારનો રોગચાળો ચાલી રહ્યો છે. ઘરે-ઘરે માંદગીનાં ખાટલા છે, જૂનાગઢ અને સોરઠ પંથકમાં પણ તાવ, ઝેરી મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ સહિતનાં રોગચાળાએ માથું ઉંચકયું છે. સરકારી દવાખાનાની સાથે-સાથે ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે અને દવાખાનાઓ દર્દીઓથી ઉભરાય રહ્યાં છે. તેવી હાલત આ તહેવારોનાં દિવસોમાં થઈ રહી છે. ડેન્ગ્યુનાં વિકરાળ ભય સામે લોકો સામાન્ય તાવ આવે તો પણ તાત્કાલિક ડોકટરો પાસે દોડી જતાં હોય છે. તો બીજી તરફ ડેન્ગ્યુનાં કેસો પણ એક પછી એક બહાર આવી રહ્યાં છે. દર્દીઓને સેવા પુરી પાડનારા તબીબો પણ તાવની ઝપટે ચડી જતાં હોય છે ત્યારે અધિકારી વર્ગ અને તેમનાં પરિવારજનોને પણ ડેન્ગ્યુની અસર થયાનાં કિસ્સાઓ બહાર આવ્યાં છે. રોગચાળો વ્હાલાં-દવલાંની નિતી અપનાવ્યાં વિનાં સૌને એક સમાન ન્યાયની નિતી અપનાવી અને જે ઝપટે ચડયું તેને સંકજામાં લ્યે છે.
ચોમાસાની સત્તાવાર વિદાય બાદ રોગચાળો ધીમે-ધીમે વકરી રહ્યો છે. હજુ તો પાસેરામાં પ્રથમપુણી હોય તેવો માહોલ છે. કારણ કે શિયાળાની ઠંડીની શરૂઆત થતાં જ સ્વાઈનફલુ જેવો રોગચાળો પણ વકરે તેવી શકયતા જોવાઈ રહી છે. એક તરફ લોકો ઝેરી મેલેરિયા, તાવ, ડેન્ગ્યુ સહિતનાં રોગચાળામાં સપડાઈ રહ્યાં છે. તો બીજી તરફ સરકારી તંત્ર સબ સલામતની પિપુડી વગાડી રહ્યું છે. જૂનાગઢની જ વાત કરીએ તો દરેક વિસ્તારોમાં રહેતાં લોકો માંદગીની ઝપટે ચડી ગયાં છે. આજે સામાન્ય શરદી અને ઉઘરસ હોય દર્દી જયારે ડોકટરને બતાવવા જતો હોય છે ત્યારે ૧૦૦૦ કે ૧પ૦૦ રૂપિયાનો ફટકો તેને લાગે છે. તો બીજી તરફ ડેન્ગ્યુ જેવા રોગચાળામાં એક દર્દીએ અંદાજીત રૂ.પ૦ હજાર જેવા ખર્ચે પહોંચી જાતો હોય છે. આમ રોગચાળાની આ મોસમની સાથે તહેવારોની મોસમ પણ આવતીકાલથી જ શરૂ થઈ રહી છે અને તેની સાથે હવામાન વિભાગ પણ વરસાદની આગાહી કર્યા રાખે છે. આમ ત્રિવિધ માહોલ વચ્ચે લોકોને તહેવારોની ઉજવણી કરવી પડશે. દરરોજ લેબોરેટરીમાં ડેન્ગ્યુનાં પોઝીટીવ કેસોની સંખ્યા જૂનાગઢ શહેરમાં વધી રહી છે.

Leave A Reply